પાવીજેતપુર ખાતે આદિવાસી દિવસ ની ઉજવણી કર્યા બાદ જૂની અદાવત રાખી ઝઘડો થતા સામસામે ફરિયાદ
પાવીજેતપુર ખાતે આદિવાસી દિવસની ઉજવણી કર્યા બાદ છોટાઉદેપુર હાઇવે ઉપર આવેલ રાઠ ફેશન દુકાન પાસે જૂની અદાવતે ઝઘડો થતાં એક ઈસમને માથામાં હાથમાંનું કડુ વાગી જતા સામસામે પોલીસ ફરિયાદ થવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ૯ ઓગસ્ટ ના રોજ પાવીજેતપુરમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ ભેગા થઈ આદિવાસી દિવસ ની ઉજવણી કરી હતી. આ ઉજવણી કર્યા બાદ છોટાઉદેપુર હાઇવે રોડ ઉપર આવેલ રાઠ ફેશન કપડા ની દુકાને પિયુષભાઈ નારણભાઈ રાઠવા ( રહે. સીથોલ,તા. પાવીજેતપુર ) નાઓ પોતાના સગાને મળવા ગયા હતા. તે સમયે ત્યાં ઉપસ્થિત મોટીબેજ ગામના રહીશો મહિપતસિંહ ભારતભાઈ રાઠવા, મેહુલભાઈ ભારતભાઈ રાઠવા અને પ્રદિપસિંહ અર્જુનસિંહ રાઠવા નાઓ બાજુની દુકાનમાં હાજર હોય તેઓ પિયુષભાઈ સાથે જૂની અદાવત રાખી પિયુષભાઈની હસી મજાક કરતા હતા. આ સમયે પિયુષભાઈ પૂછવા ગયેલ કે કેમ મારી હસી મજાક કરો છો ? તેમ કહેતા જ મહિપતસિંહ તેમજ મેહુલભાઈ ઉસકેરાઈ જઇ ગાળા ગાળી કરવા લાગેલા અને બોલા ચાલી ઝઘડો કરી તકરાર કરી ગડદા પાટુનો માર માર્યો હતો. મહિપતસિંહ ભરતભાઈ રાઠવાનાએ પિયુષભાઇ ને માથાના ભાગે હાથમાં પહેરવાનું કડુ મારી દીધેલ, બૂમાબૂમ કરતા આજુબાજુથી લોકો દોડી આવી તેઓને વધુ માર માંથી બચાવ્યા હતા. આ બંને ભાઈઓ જતા જતા કહેતા ગયા કે આજે તો તું બચી ગયો છે હવે પછી મળીશ તો તને જાનથી મારી નાખીશું. પિયુષભાઈ ને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેઓને તાત્કાલિક પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જઈ સારવાર કરવામાં આવી હતી.
જ્યારે સામે પક્ષે લખાવેલી ફરિયાદ મુજબ મહિપતસિંહ ભારતભાઈ રાઠવા ( રહે. મોટીબેજ,તા. પાવીજેતપુર ) નાઓ આદિવાસી દિવસ ની ઉજવણી કર્યા બાદ રાઠ ફેશન દુકાન પાસે મુકેલ પોતાની મોટર સાયકલ લેવા ગયા હતા, તે સમયે ત્યાં ઉપસ્થિત શિથોલ ગામના રહીશ પિયુષભાઈ નારણભાઈ રાઠવા એ મહિપતસિંહ ને જણાવેલ કે તું અહીંયા કેમ આવ્યો છે ? ત્યારે મહિપતસિંહ જણાવ્યું હતું કે હું મારી મોટરસાયકલ લેવા આવ્યો છું તેમ કહેતા જ પિયુષભાઈ ઉસકેરાઈ જઇ જૂની અદાવત રાખી ગમે તેમ ગાળો બોલવા લાગ્યા, મહિપતસિંહ સાથે બોલાચાલી કરી ઝઘડો કરી માથાના વાળ પકડીને મોઢા પર બે થી ત્રણ ઝાપોટો મારી ગડદા પાટુ નો માર મારી ધમકી આપી હતી કે આજે તો તું બચી ગયો છે ફરીથી ઝપટમાં ન આવતો નહીં તો તને જાનથી મારી નાખીશ.
આમ, પાવીજેતપુર ખાતે આદિવાસી દિવસ ની ઉજવણી કર્યા બાદ જૂની અદાવતે આદિવાસીઓમાં ઝઘડો થતાં સામસામે પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થવા પામી છે.