મેરી માટી મેરા દેશ અંતર્ગત રાજુલાના ચાંચ ગામે ગ્રામસભાનું સુંદર આયોજન 

મેરી માટી મેરા દેશ અંતર્ગત રાજયની તમામ ગ્રામ પંચાયતોમાં આગામી ૧૫ મી ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમો સાથે ગ્રામસભાનું આયોજન થનાર છે ત્યારે જીલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજુલા તાલુકાના ચાંચ ગામના અમૃત સરોવર ખાતે ગ્રામસભાનું સુંદર આયોજન કરાતા બહોળી સંખ્યામાં લોકો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ.

આ કાર્યક્રમમા આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડ,આભા કાર્ડ,બિનચેપી રોગોનું સ્ક્રીનીંગ અને સગર્ભા બહેનોને મળતી સહાય સહિતની વિવિધ માહિતી સી.એચ.ઓ. કામિનીબેન ચુડાસમા દ્વારા અપાઈ હતી સાથે સાથે સગર્ભા માતા,કિશોરીઓ અને ધાત્રી માતાઓના પોષણ તેમજ ચોમાસાની ઋતુ દરમિયાન વાહકજન્ય રોગચાળો ન થાય તે માટે કરાઈ રહેલ કામગીરીની જાણકારી તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયા દ્વારા અપાઈ હતી.  

અમૃત સરોવર ખાતે યોજાયેલ કાર્યક્રમમા ગ્રામજનો દ્વારા માટીનો દીવો હાથમાં લઈ રાષ્ટ્ર નિર્માણ માટે પંચપ્રણની પ્રતિજ્ઞા લઈ સેલ્ફી લીધી હતી તેમજ પૃથ્વી માતાને સંજીવન કરવા વસુધા વંદન દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું અને ત્યારબાદ રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન કરી ગ્રામસભાની શરૂઆત કરાઈ હતી જેમાં એજન્ડા મુજબ વિગતવાર ચર્ચા કરી પ્રશ્નોનું સ્થળ પરજ નિરાકરણ કરાયું હતું સાથે સાથે હર ઘર તિરંગા વિશે પણ ચર્ચા કરાઈ હતી.

આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયા,તાલુકા પંચાયતમાંથી એમ.પી.વેગડા, સી.કે.જીંજાળા અને સંજયભાઈ મહિડા,સરપંચશ્રી પીનલબેન રામજીભાઈ ચૌહાણ,તલાટી-કમ મંત્રીશ્રીમાથી વિસ્તરણ અધિકારી તરીકે પ્રમોશન મેળવેલ ભરતભાઈ કલસરીયા,સીએચઓ કામિનીબેન ચુડાસમા,અશોકભાઈ વેગડ અને ગ્રામપંચાયતના સભ્યો સહિતના ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ જે યાદીમાં જણાવેલ છે.

રિપોર્ટ..કરશન પરમાર જાફરાબાદ