સુરેન્દ્રનગર બસ સ્ટેશન રોડ આઇટીઆઈ સામે મંગળવારે ધોળા દિવસે છરીના ઘા ઝીંકીને યુવાનની હત્યા કરાઈ હતી. આ બનાવમાં 5 શખસ સામે ફરિયાદ નોંધાઇ હતી. જ્યારે આ હત્યાના બનાવમાં ઇજાગ્રસ્ત આરોપીએ મૃતક સહિત 6 શખસ સામે બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.સુરેન્દ્રનગર બસ સ્ટેશન રોડ આઈટીઆઈ સામે ખાટકીવાડના નાકે શખસોએ હથિયારોથી હુમલો કર્યો હતો. જેમાં સોયબે 25 વર્ષના તાહિર યુસુફભાઈ શેખને છરી વતી છાતીના ભાગે ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. અને અન્ય શખસોએ ઇરાફનભાઈને પેટના ભાગે તેમજ જમણા હાથમાં ઇજાઓ કરતા વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા. આ બનાવમાં ઇરફાનભાઈ અબ્બાસભાઈ ચૌહાણે સુરેન્દ્રનગરના સોયબ અબ્દુલભાઈ મમાણી, અલ્તાફ ઉર્ફે રાજા દીપકભાઈ, રાજકોટના હકીબ આસીફ કુરેશી, સુરેન્દ્રનગરના આસીફ ઇશાક તેમજ ઓસેફ ઉર્ફે પપ્પુ હકાભાઈ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પકડી લીધા હતા.બીજી તરફ સામા પક્ષે બસ સ્ટેશન રોડ ખાટકીવાડમાં રહેતા ઇજાગ્રસ્ત સોયબ અબ્દુલભાઈ મોમાણીએ બી-ડિવિઝન પોલીસમાં 6 શખસ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, ઇરફાનભાઈની દીકરી સાથે સોયબને પ્રેમસંબંધ હોય જેની દાઝ રાખી અયાન ચૌહાણે સોયબને ફોન કરી ઝઘડો કરવો છે તેમ કહી બોલાવ્યા હતા. લોખંડના ધારીયા,પાઇપ વડે સોયબને માર માર્યો હતો. બનાવમાં સુરેન્દ્રનગરના ઇરફાનભાઈ ચૌહાણ, સમીરભાઈ ચૌહાણ, ઝાકીરભાઈ ચૌહાણ, અમનભાઈ ચૌહાણ, અયાન ચૌહાણ, તાહિર શેખ સામે ગુનો નોંધાયો છે.