રાણપુરના ડોક્ટર દંપતી ત્રણેક દિવસ માટે અમદાવાદ ગયા હતા. ત્યારે પાછળથી બંધ મકાનમાંથી રૂ।.3.62 લાખના દાગીના અને રૂ।.10 લાખ રોકડની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ અંગે તેમણે રાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. રાણપુરની ગાયત્રી સોસાયટીમાં રહેતા ડો. ધરાબેન ચંદ્રેશભાઈ ત્રિવેદી તેમના પતિ ડો.ચંદ્રેશભાઈ અને બે પુત્રીઓ સાથે તા. 27 જુલાઈના રોજ અમદાવાદ ગયાં હતાં.ત્યાંથી તા.30 જુલાઈના રોજ રાણપુર પરત ફરતા ઘરના દરવાજાનો નકુચો તૂટેલો તથા તાળું નીચે પડેલું જોતાં જ તેઓએ ઘરમાં જઈને જોતા બેડરૂમમાં પડેલી લોખંડની તિજોરી તૂટેલી હતી. તેમાંથી ધરાબેનનો સોનાનો સેટ, ચાર બંગડી, બે બુટ્ટી, ત્રણ સેરવાળો હાર, દામણી, મંગલસૂત્ર, સાચા હીરાનો સેટ, નાકની ચૂક સહિત રૂપિયા 3,62,000ના દાગીના તથા રોકડ રૂપિયા 5,10,000 તિજોરીમાં નહોતા. જેથી તેમણે રાણપુર પોલીસ સ્ટેશનમાં કુલ રૂ।,72,000ની મત્તાની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. ભાજપના પ્રદેશ કક્ષાના આગેવાનના ઘરે ચોરી થતાં બોટાદ એસપી, ડીવાયએસપી, એલસીબી, રાણપુર પીએસઆઇ દોડી આવ્યા હતા. તથા ચોરને પકડવાનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. આ પહેલા ડોગ સ્ક્વોડ પણ આવી ગઈ હતી.