સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ ચોપડે માર્ગ અકસ્માતના 4 બનાવ નોંધાયા છે. જેમાં બે વ્યક્તિઓના મોત થયા છે. જયારે બે વ્યક્તિઓને ઈજા થઈ છે.રાજકોટમાં હોમીયોપેથીક તબીબનો અભ્યાસ કરતો વિદ્યાર્થી વતન ગાજણવાવ બાઈક લઈને આવતો હતો. ત્યારે થાનના તરણેતર પાસે ગાય આડી ઉતરતા મોત થયુ છે. જયારે ચોટીલા હાઈવે પર પોરબંદરના ટ્રક ડ્રાઈવરનું અજાણ્યા વાહન અડફેટે મોત થયુ છે.ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવનો મેરૂભાઈ ડાયાભાઈ ગરીયા રાજકોટ હોમીયોપેથીક કોલેજમાં તબીબનો અભ્યાસ કરે છે. તા. 29મીએ તેઓ બાઈક લઈને રાજકોટથી ગાજણવાવ જતા હતા. ત્યારે થાન તાલુકાના તરણેતર રોડ પર શીતળા માતાજીના મંદીર પાસે રસ્તામાં ગાય આડી ઉતરતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મેરૂભાઈને માથામાં ઈજા થતા સારવાર માટે થાન સરકારી દવાખાને લઈ જવાતા તેમનું મોત થયુ હતુ. બનાવની મૃતકના કાકા બેચરભાઈ બુટાભાઈ ગરીયાએ થાન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.જયારે પોરબંદરના રાણાવાવ તાલુકાના દોલતગઢ ગામે રહેતા રામાભાઈ તા. 27ના રોજ ટ્રકમાં પાવડર ભરીને હિંમતનગરથી મોરબી જતા હતા. ત્યારે ચોટીલા હાઈવે પર સોનલકૃપા હોટલે ચા પીવા ઉભા રહ્યા હતા. અને ચા પીને પરત ફરતા સમયે અજાણ્યા વાહને અડફેટે લેતા તેઓને કપાળમાં ગંભીર ઈજા થતા સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા. જયાં સારવાર દરમીયાન રામાભાઈનું મોત થયુ હતુ. આ ઉપરાંત સુરેન્દ્રનગરના દાળમીલ રોડ પર આવેલી રાજ રાજેશ્વરી સોસાયટીમાં રહેતા કરણસીંહ પરમાર તા. 26મી જુલાઈએ સવારના 6 કલાકે મીત્રો સાથે નર્મદા કેનાલે ચાલવા ગયા હતા. ત્યારે એક અજાણી કારના ચાલકે તેમને અડફેટે લેતા પાંસળીના ભાગે, માથે અને પગે ઈજા થતા સારવાર માટે સી.યુ.શાહ મેડીકલ કોલેજ સારવાર માટે લઈ જવાયા હતા. બીજી તરફ રાજકોટના માનસરોવર પાર્કમાં રહેતા અર્જુનસીંહ ઘનશ્યામસીંહ ઝાલા બોેલેરો પીકઅપ કાર ચલાવે છે. તા. 17 જુલાઈના રોજ તેઓ રાજકોટથી કબાટ ભરીને અમદાવાદ જવા નીકળ્યા હતા. જેમાં ચોટીલાના મઘરીખડા ગામના બોર્ડ પાસે માધવ ચાની હોટલે ચા પીવા ઉભા રહ્યા હતા. અને ચા પીને રસ્તો ક્રોસ કરી પોતાના વાહને જતા હતા. ત્યારે એક અજાણ્યા બાઈક ચાલકે તેમને અડફેટે લઈ ડાબા પગે અને ડાબા ખભે ઈજા પહોંચાડી હતી.