લીંબડી અમદાવાદ હાઈવે પર જાખણ ગામના પાટિયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જ્યારે અકસ્માતમાં બાઈકનો કચ્ચરઘાણ નીકળવા સાથે બાઈક સવાર કટારીયા ગામના યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.લીંબડી તાલુકાના કટારીયા ગામમાં રહેતાં અરવિંદભાઈ માલાભાઈ માથાસુરીયા લીંબડીથી મજુરી કામ કરીને તેમના ઘેર પરત ફરી રહ્યા હતાં. તે સમયે જાખણ ગામના પાટિયા પાસે અજાણ્યા વાહન ચાલકે તેમને પુરપાટ ઝડપે આવીને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માતમાં બાઈકનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો અને અરવિંદભાઈને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.અકસ્માત સર્જનાર વાહન ચાલક નાસી છુટયો હતો. આ બનાવની જાણ લીંબડી પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી અરવિંદભાઈની ડેડ બોડીને પીએમ અર્થે લીબડી આર.આર.હોસ્પિટલમાં મોકલી આપી બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી હતી.