બનાસ નદીમાં વધુ એક યુવક ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે. ડીસાના ભડથ ગામનો યુવક નદીમાં ન્હાવા પડતા ડૂબી જતા મામલતદાર અને તાલુકા પોલીસ સહિતની ટીમે ઘટનાસ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી હતી.
દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડ્યા બાદ ચાર દિવસમાં બે યુવક ડૂબી ગયા હોવાની ઘટના બની છે. જેમાં બે દિવસ અગાઉ દાંતીવાડા પાસે ડીસા તાલુકાના મહાદેવીયા ગામનો યુવક ડૂબી જતા મોત નીપજ્યું હતું. ત્યારબાદ આજે ભડથ ગામનો યુવક ગેનાજી ગોળીયા પાસે પસાર થતી બનાસ નદીના પાણીમાં નાહવા પડતા ડૂબી જતા લોકોએ શોધખોળ હાથ ધરી હતી.
બનાસ નદીમાં પાણી છોડ્યું ત્યારથી જ વહીવટી તંત્ર દ્વારા વારંવાર લોકોને નદીમાં અવરજવર ન કરવા કે નાહવા ન જવા માટેની વારંવાર સૂચનાઓ આપવામાં આવી છે. તેમ છતાં પણ કેટલાક લોકો તંત્રની સૂચનાને અવગણીને બનાસ નદીમાં નાહવા પડતા મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. ભડથ ગામનો પ્રવિણસિંહ વાઘેલા નામનો યુવક પણ ગેનાજી ગોળીયા પાસેથી પસાર થતી નદીમાં નાહવા પડ્યો હતો અને પાણીના વમણમાં ફસાઈ જતા તે ડૂબી ગયો હતો.
આ ઘટનાને પગલે આજુબાજુના લોકો અને સ્થાનિક તારવૈયાઓ દોડી આવી તેની શોધખોળ હાથ ધરી હતી. આ ઘટનાની જાણ થતા જ મામલતદાર અને પોલીસ સહિતની ટીમ પણ બનાવ સ્થળે પહોંચી હતી અને યુવકની શોધખોળ હાથ ધરી છે.