વઢવાણ તાલુકામાં પૈસા માટે કોઇ ગઠિયો આવી સગર્ભા માતાને મળતી સહાય પણ ઓળવી રહ્યો હોવાની ચોકાવનારી વિગતો સામે આવી છે. આરોગ્ય વિભાગમાંથી બોલું છું, તમારી સહાય આવી ગઇ છે. તેવુ કહીને ઓટીપી માગી સગર્ભાના સહાયના પૈસા ઓળવી લીધા હોવાના વઢવાણ તાલુકામાં 4 કિસ્સા બન્યા છે. ઉપરાંત ધ્રાંગધ્રા અને પાટડીમાં પણ આવા બનાવો બન્યા છે. આથી હવે કોઇ સગર્ભાને આવો ફોન આવે તો સાવધાન રહેજો.સગર્ભા માતા સલામત રહે અને બાળક તંદુરસ્ત રહે તે માટે સરકારે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત સગર્ભાની નોંધણી કરીને તેમને રૂ.5 હજારની સહાય આપે છે. પરંતુ કોઇ ગઠિયો આ સગર્ભાની ગ્રાન્ટ પણ ઓળવી લેતો હોવાના કિસ્સા વઢવાણ તાલુકામાં સામે આવ્યા છે. ભડિયાદના આરતીબેન જીતેન્દ્રભાઇ પરમાર, ખજેલીના ભાવનાબેન મહિપતભાઇ તથા ઝાપોદડના અન્ય 1 મહિલા અને ઘરશાળા પાસે રહેતા હેતલબેન દેત્રોજાને ભેજા બાજે ફોન કર્યા હતા. અને ફોનમાં ઓટીપી આપતાની સાથે સગર્ભાના ખાતામાંથી રૂ.5 હજાર ઉપડી ગયા હતા. ઉપરાંત તરકટબાજે અન્ય 8 જેટલી સગર્ભાના મોબાઇલમાં પણ ફોન કર્યા હતા. આ મામલે ભોગબનનારે વઢવાણ પોલીસ મથક અને સાયબર ક્રાઇમમાં અરજી પણ આપી છે.આ અંગે જાગૃત આરોગ્ય કર્મચારીઓએ જે નંબરમાંથી ફોન આવ્યો હતો તે નંબરમાં ફોન કરીને વાત કરી તો લાજવાને બદલે ગઠિયો ગાજવા લાગ્યો હતો અને કહે તમારે જે થાય તે કરી લેજો. આથી ભોગ બનનાર બહેનોએ પોલીસ, સાઈબર સેલમાં અરજી કરી છે.સગર્ભાબેનની નોંધણી થઇ હોય તેના મોબાઇલ અને સરનામા સાથેની તમામ વિગતો આરોગ્યના કર્મચારીઓ પાસે જ હોય છે. બીજું કે જ્યારે પણ સહાય ચૂકવવામાં આવે તેની માહિતી પણ આરોગ્ય પાસે જ હોય છે. મહત્વની બાબત એ છે કે જ્યારે સહાય ચૂકવવામાં આવે છે ત્યારે જ આવા ફોન કરીને પૈસા હડપ કરી લેવામાં આવે છે. આથી આ કારસ્તાનમાં આરોગ્ય શાખાના કોઇ કર્મચારીની સંડોવણી હોવાનું સ્પષ્ટ જણાય છે.