તળાજાના વાલ૨ ગામની બગડ નદી પાસે આવેલ માતાજીના મંદિરે કાકા-ભત્રીજા દર્શન કરી પરત ફરતા હતા તે વેળાએ નદી પાર કરવા જતા કાકા-ભત્રીજા નદીના પાણીના પ્રવાહમાં તણાયા હતા જેમાં કાકાનો આબાદ બચાવ થઇ જવા પામ્યો હતો. જ્યારે ભત્રીજો પાણીમાં તણાઇ જતા જેની શોધખોળ હાથ ધરાતા આખરે એક દિવસ બાદ યુવકનો મૃતદેહ મળી આવતા પરિવારમાં શોક છવાઇ જવા પામ્યો હતો.

   વધુ વિગતે વાલર ગામ નજીક પસાર થતી બગડ નદીના પ્રવાહમાં બે દિવસ પહેલા નદીના કોઝવે પરથી સામે કાંઠે રહેલ વેજોદરી ગામના કાકા-ભત્રીજા નદીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા જેમાં મુકેશ ભુપતભાઈ મકવાણા (ઉ.વ.25) નદીના ભારે પ્રવાહમાં તણાઈને લાપતા થયો હતો.

    જ્યારે આ યુવકના કાકા ભરતભાઈ ઓઘડભાઈ મકવાણા ભારે જહેમતથી બચીને બહાર નીકળી શક્યા હતા. વેજોદરી ગામેથી વાલર ગામમાં આવેલ મહાકાળી માતાના મંદિરે દર્શન કરવા આવેલ બંને કાકા ભત્રીજા કોઝવે પર વહેતા કેડ સમા પાણી માંથી નદીને પાર કરવા જતા બનેલ આ ઘટના બાદ લોકોના ટોળેટોળા આ ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.

   ઘટના બાદ આખરે રાત્રી દરમિયાન તેમજ આજે સવારથી જ તરવૈયા યુવાનો, મહુવા અને તળાજા ફાયર બ્રિગેડ નો સ્ટાફ દ્વારા સતત શોધખોળ કરતા 24 કલાકની મહેનત બાદ ઘટના સ્થળથી 500 મીટર દૂર બગડ નદીના ઉતારાવાળા નામે ઓળખાતા ઊંડા ઘુનામાંથી મુકેશભાઇનો મૃતદેહ મળી આવ્યો.