પાલનપુર નજીક ખસા ગામની સીમમાંથી એક જીવીત નવજાત બાળકી મળી આવી છે. ગઢ ખસા રોડ પર ખેતરની સીમમાં આવેલી પાણીની ખાલી કુંડીમાં અજાણી મહિલા દ્વારા બાળકીને ત્યજી દેવાતા ચકચાર મચી છે. પશુપાલકો ખેતરમાં ગયા હતા. ત્યારે બાળકીનો રડવાનો અવાજ આવતા તેઓએ ગઢ પોલીસને ઘટનાની જાણ કરી હતી. જેથી બાળકીને 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે. તેમજ આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લામાં ગઢ ખાસ રોડ પર એક ખેતરની સીમમાં ખાલી કુંડીમાં જીવીત નવજાત બાળકી મળી આવી હતી. પશુપાલકો વહેલી સવારે પશુઓને ઘાસ ચારો તેમજ દૂધ દોવા જતા નાની બાળકીનો રડવાનો અવાજ સાંભળી પશુપાલકો ચોકી ઉઠ્યા હતા. પશુપાલકો ખાલી કુંડી પાસે જઈને જોતા આસરે છ થી સાત દિવસની નાની બાળકી કપડામાં વીંટળાયેલી જોવા મળી હતી.

પશુપાલકોએ ગામના આગેવાનોને ઘટના અંગે જાણ કરી હતી, જેથી ગ્રામજનોએ પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી. બાળકીને 108 દ્વારા પાલનપુર ખાતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અસુરક્ષિત રીતે ત્યજી દીધેલી બાળકીના માતા-પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.