બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઓવર સ્પીડને કારણે થતાં અકસ્માતો, તેનો જોઇન્ટ એક્શન રિપોર્ટ, પોલીસ વિભાગ તેમજ આરટીઓ વિભાગ દ્વારા કારમાંથી બ્લેકફિલ્મ હટાવવાની કામગીરી સહિતની બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, ચોમાસાંની ઋતુને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોને તાત્કાલિક રીપેર કરાવવામાં આવે તે ખૂબ જરૂરી છે. બેઠકમાં પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા શાળાઓમાં યોજવામાં આવતાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમો, સામાન્ય નાગરિકોને ટ્રાફિકને લગતાં નિયમો સમજાવવા બાબતની કામગીરી સહિતના અનેક મુદ્દાઓની વિસ્તૃત જાણકારી પુરી પાડવામાં આવી હતી. બોટાદ એઆરટીઓ કચેરીનાં જણાવ્યાં મુજબ, અત્યારસુધીમાં 12 જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક અવેરનેસને લગતાં કાર્યક્રમો યોજાયા છે, તેમજ આગામી સમયમાં અન્ય શાળાઓમાં પણ જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવશે.
ઉક્ત બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કિશોરભાઈ બળોલિયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી મુકેશભાઈ પરમાર, બોટાદ પ્રાંત અધિકારીશ્રી દિપકભાઈ સતાણી, બરવાળા પ્રાંત અધિકારીશ્રી પરેશ પ્રજાપતિ સહિત સંબધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.