હળવદ તાલુકાની નવા ધનાળા પ્રાથમિક શાળામાં પ્રથમ વખત બાલ સંસદની ચૂંટણી યોજવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓ ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ થાય. જેમાં કુલ 22 ઉમેદવારોએ અલગ અલગ 8 સમિતિના મંત્રી બનવા માટે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં મતદાન ગુપ્ત રીતે થાય તે માટે મતકુટીર પણ બનાવામાં આવી હતી અને આ સમગ્ર પ્રક્રિયા બાળકો દ્વારા કરવાની હોવાથી પોલીંગ ઓફિસર, પ્રિસાઈડિંગ ઓફિસર સહિતની જવાબદારી વિદ્યાર્થીઓને જ સોંપવામાં આવી હતી. આ પ્રક્રિયામાં ધો-3 થી 8ના તમામ બાળકો દ્વારા વોટિંગ કરવામાં આવ્યું હતુ. જેમાં સૌથી વધુ મત મેળવી વ્રજ દિલીપભાઈ શાળાના જીએસ બન્યા હતા. જ્યારે તમામ મંત્રીઓમાં સૌથી વધુ મત મેળવી કિશન હરેશભાઈ કણઝીયા રમત-ગમત મંત્રી બન્યા હતા. જોકે પ્રાર્થના મંત્રીમાં ટાઈ પડી હોવાથી વિજેતા જાહેર કરાયા નહતા. સમગ્ર બાલ સંસદની રચના માટે ત્રિલોકભાઈ અને પરેશભાઈએ આયોજન કર્યું હતુ. સાથે સમગ્ર શિક્ષક સ્ટાફે સાથ સહકાર આપ્યો હતો. એસએમસીના અધ્યક્ષ હસમુખભાઈ દ્વારા દરેક બાળકોને મોઢું મીઠું કરાવ્યું હતુ. તો સાથે જ એસએમસીના સભ્યો, ગ્રામજનો અને શાળાના આચાર્ય પટેલ કિર્તીભાઈ દ્વારા તમામ બાળકોને શુભેચ્છા આપી ઉત્સાહપૂર્વક શ્રેષ્ઠ કામ કરવા જણાવ્યું હતું.