દીઓદર વિચરતા સમુદાય સમર્થન મંચ અને ગ્રામ પંચાયત દીઓદરના સહયોગ થી વિચરતી વિમુક્ત જાતિના ૧૩૪ જેટલા પરિવારો ને ઝુંપડી માંથી વહાલપની વસાહતમાં લાવવા માટે તૈયાર થનાર મકાનોનું ગત રોજ સાંજે ભૂમીપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે યોજાયેલ બેઠકમાં પધારેલા સૌને વિચરતા સમૂદાય મંચના સંયોજક નારણભાઈ રાવળે આવકારી ભુમિકા રજુ કરી હતી. બાદમાં વિચરતા સમૂદાય મંચના કાર્યવાહક મિતલબેન પટેલે સંબોધન કરી તૈયાર થનાર મકાનોની પૂર્વ ભૂમિકા જણાવી હતી.તેમજ સૌને સહકાર આપવા વિનંતી પણ કરી હતી.તેમણે જણાવેલ કે આપણે સૌ ઝુંપડપટ્ટી માંથી વર્ષો બાદ પાકા મકાન તરફ જઈ રહ્યા છીએ ત્યારે સારૂ સુંદર પાકું મકાન બને તે માટે સૌ તૈયાર થઈ સહયોગ આપો તો સફળતા મળી શકે.દીઓદર સરપંચ ગીરીરાજસિંહ વાધેલાએ જણાવેલ કે તૈયાર થનાર વસાહત વિચરતી જાતી માટે આશીર્વાદ સમાન બની રહેશે.આ પ્રસંગે ભાજપના ઉપ પ્રમુખ ભવાનજી ઠાકોર, જૈન અગ્રણી જયંતિભાઈ દોશી, દેવરામભાઈ જોષી, પ્રદીપભાઈ શાહ,તલાટી ભલજીભાઈ રાજપુત, ભરતભાઈ અખાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ બાદમાં સૌ એ ભૂમિ પૂજન કર્યું હતું.