ડીસામાં બનાસ નદીના કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અગાઉના વર્ષોની જેમ આ વર્ષે પણ બનાસ નદીમાં પાણી આવ્યા બાદ કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ દ્વારા અગમચેતીના ભાગરૂપે 10થી વધુ પોલીસ કર્મચારીઓને અલગ અલગ જગ્યાએ ગોઠવી દઈ લોકોને નદી પાસે જતા અટકાવવામાં આવી રહ્યા છે.

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે દાંતીવાડા ડેમ ભરાઈ જતા અત્યારે બે બારી ખોલી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે અને બનાસ નદીમાં પાણી આવતા જ લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. સાથે જ બનાસ નદીમાં અવરજવર ન કરવા માટે પણ તંત્ર દ્વારા વારંવાર સૂચનાઓ આપી હોવા છતાં પણ કેટલાક લોકો આ સૂચનાને અવગણી નદીમાં નાહવા જતા હોય છે. માછલી પકડવા જતા હોય છે અને અવરજવર કરતા હોય છે જેના કારણે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ડીસામાં બનાસ નદીના કિનારે અલગ અલગ જગ્યાએ 10થી વધુ જગ્યાએ પોલીસ કર્મચારીઓને તૈનાત કરાયા છે. અને લોકોને બનાસ નદીમાં જતા અટકાવવામાં આવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જ્યારે જ્યારે બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે ગ્રામીણ વિસ્તારના યુવાનો નદીમાં નાહવા જતા કે માછલી પકડવા જતા ડૂબી ગયા હોવાની ઘટનાઓ બની છે. ત્યારે આ વર્ષે આવી કોઈ જ દુર્ઘટના ન સર્જાય અને લોકોના ઘરમાં શોકનો માહોલ સર્જાતા અટકે તે માટે તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે ડીસા આજુબાજુમાં બનાસનદી પાસે પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા લોકોને બનાસ નદીમાં પાણી પાસે ન જાય તે માટે કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે.