પાલનપુર તાલુકાના વેડંચાના રિક્ષાચાલકે પાલનપુરના વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી ત્રાસી કાણોદર ગામ નજીક ઉંદર મારવાની દવા ગટગટાવી દીધી હતી. તેમને પરિવારજનોએ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. આ અંગે વ્યાજખોર સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર તાલુકાના વેડંચાના મહેશજી કેશાજી ઠાકોર રિક્ષા ચલાવી પત્ની અને ચાર બાળકોનું ગુજરાન પૂરું કરે છે. જેમણે તેમના પિતાના મિત્ર પાલનપુર સુખબાગ રોડ વિસ્તાર રબારીવાસમાં રહેતા મોતીભાઈ દેસાઈ પાસેથી રિક્ષા રીપેર કરવા માટે 20 ટકાના દરે રૂપિયા 60,000 વ્યાજે લીધા હતા. જે રૂપિયા 12,000 કાપીને આપ્યા હતા. અને દરરોજના રૂપિયા 600 આપવાનું નક્કી કરાયું હતું. મહેશભાઈએ દોઢ માસ સુધી રોજના રૂપિયા 600 ચૂકવ્યા હતા. જોકે, ધંધામાં મંદી આવતા 20 દિવસથી નાણાં આપી શકતા ન હતા.

આથી મોતીભાઈ દેસાઈ પાલનપુરમાં વારંવાર રિક્ષા રોકાવી નાણાંની પઠાણી ઉઘરાણી કરતા હતા. 22 જુલાઈએ હાઇવે નજીક આવેલા શોરૂમ પાસે રિક્ષા ઉભી રખાવી બે દિવસમાં મારા પૈસા મને નહીં આપે તો ટાંટિયા ભાગી નાખીશ અને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. તેથી લાગી આવતા મહેશજી ઠાકોરે મેતા ગામે મેડિકલમાંથી ઉંદર મારવાની દવા ખરીદી હતી અને કાણોદર હાઈવે નજીક પાણીમાં ઓગાળી ગટગટાવી લીધી હતી.

જેની પરિવારજનોને જાણ કરતાં તેઓ રિક્ષા ચાલક મહેશજી ઠાકોરને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં હાલ રિક્ષા ચાલક જીવન મરણ વચ્ચે ઝાંલા ખાઈ રહ્યો છે. આ અંગે મોતીભાઈ દેસાઈ સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.