સાવરકુંડલાના મેરીયાણા ગામે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના અનાજનું ગેરકાયદેસર ખરીદ-વેચાણ વેપાર કરતા ઈસમો સામે સાવરકુંડલા તાલુકા મામલતદારશ્રીએ પોલીસ ફરિયાદ કરી

અમરેલી જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના અનાજનું ગેરકાયદેસર ખરીદ-વેચાણ વેપાર કરતા ઈસમો સામે પોલીસ ફરિયાદ કરવા અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીના આદેશને પગલે કાર્યવાહી

  સાવરકુંડલા તાલુકા મામલતદારશ્રી દ્વારા તાજેતરમાં સાવરકુંડલાના મેરીયાણા ગામે કાર્ડ ધારકો પાસેથી પ્લાસ્ટિકના વાસણોના બદલામાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણ થયેલા ઘઉં તથા ચોખા લઈ રહેલા વ્યક્તિ નાઝીરભાઈ અનવરભાઈ ગોગદા તથા અયાનભાઈ અનવરભાઈ ગોગદાને વાહન સાથે પકડવામાં આવ્યા હતા. આ ઘટનામાં ઇસમો દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણ થયેલ ઘઉં તથા ચોખાનો જથ્થો વાસણો અથવા રોકડની લાલચ આપી કાર્ડ ધારકો પાસેથી પડાવી લઇ ઉંચા ભાવે અન્યત્ર વેચાણ કરી દેતા હોવાનું અને આ પ્રવૃત્તિને જ પોતાનો વ્યવસાય બનાવી લીધી હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાના પગલે જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ આ ઇસમો સામે તેમજ તેઓને જથ્થો આપનારા અને તેઓની પાસેથી ખરીદનારા વ્યક્તિઓની સામે કડક હાથે કામ લેવા માટે પોલીસ ફરિયાદ દાખલ કરવાનો આદેશ કર્યો હતો. આ આદેશના પગલે સાવરકુંડલા તાલુકા મામલતદારશ્રીએ, સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ની કલમ-૩ અને ૭ મુજબ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. અમરેલી જિલ્લા પુરવઠા અધિકારી અને સાવરકુંડલા તાલુકા મામલતદારશ્રી દ્વારા આવા ઇસમો સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી ઝૂંબેશ સ્વરુપે કરવામાં આવશે. આ કિસ્સામાં ફેરિયાઓને જથ્થો આપી દેનારા કાર્ડધારકોના રેશનકાર્ડ પણ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. વ્યાજબી ભાવના કોઇ દુકાનદાર આવી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા જણાશે તો તેમની સામે P.B.M. તળે અટકાયત સહિતની કાર્યવાહી કરવામાં આવશે, તેમ સાવરકુંડલા તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે. 

  રિપોર્ટ દિલીપ વાઘેલા સાવરકુંડલા