રાજકોટ નજીક પાળ ગામ પાસે આવેલ જખરાપીરની દરગાહ પાસે નદીમાં બાઈક સાથે યુવક તણાઈ જતા ફાયર બ્રિગેડની ટીમો દોડાવાઈ હતી. અને શોધખોળ હાથ ધરાઈ હતી. જેમાં તણાઈ ગયો તે યુવકનું નામ ચિરાગ ભગવાનભાઈ વાઘેલા (ઉ.વ.26) હોવાનું સામે આવ્યું હતું. જે પછી સાંજના સમયે ચિરાગનો મૃતદેહ મળ્યો હતો.ચિરાગ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે સીતાજી ટાઉનશીપમાં રહેતો માર્કેટિંગનું કામ કરતો. તેની પત્ની સગર્ભા છે. તેના ગર્ભમાં ટ્વીન્સ બાળકો છે. ટ્વીન્સ બાળકો જન્મ લ્યે તે પહેલાં જ પિતાનું અકાળે મોત થતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. મૃતક મૂળ ધ્રાંગધ્રાના અંકોળિયા ગામનો વતની હોવાનું અને રાજકોટમાં માર્કેટિંગનું કામ કરતો હોવાનું જાણવા મળે છે.આ ઘટનાનો વિડીયો વાઈરલ થયો હતો. બનાવની જાણ થતા મવડી ફાયર સ્ટેશનથી સ્ટેશન ઓફીસર યોગેશભાઈ જાની સાથેની ટીમ દોડી ગઈ હતી. શોધખોળ કરવામાં આવી રહી હતી. મૃતક ગુરૂવારે સાંજે પોતાનું બાઇક ચલાવીને લોધિકા તરફ જઇ રહ્યો હતો અને પાળ ગામના બેઠા પુલ પર પહોંચ્યો હતો. અનેક લોકો પુલના કિનારે અટકી ગયા હતા, પરંતુ ટ્રક અને સ્કૂલ બસ સહિતના વાહનો પુલ પરથી પસાર થતા હોય, ચિરાગે પણ બાઈક પુલ પર ચલાવ્યું હતું પણ પાણીના પ્રવાહમાં તે બાઇક સાથે તણાયો હતો.શુક્રવારે સાંજે કણકોટ પુલ નજીક પોપટભાઇની વાડી નજીકથી ચિરાગ વાઘેલાનો મૃતદેહ મળી આવ્યો હતો, આ અંગેની જાણ થતાં લોધિકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઇ સહિતની ટીમ દોડી ગઇ હતી. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. મૃતક બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો. તેના પાંચ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા અને તેના પત્ની હાલમાં સગર્ભા છે. બનાવના પગલે પરિવારમાં શોક છવાયો છે.