સાયલા તાલુકામાં સાંજના 4 કલાકે અચાનક સમયે બદલાયેલા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં ખાસ કરીને સુદામડા, ડોળીયા તેમજ ધાંધલપુરના વાડી વિસ્તારોમાં વધુ વરસાદ જોવા મળતો હતો. પરંતુ સાયલા શહેરમાં ધીમીધારે વરસાદ જોવા મળતો હતો શહેરમાં માત્ર 4 એમએમ વરસાદ નોંધાયો હતો.તાલુકાના થોરિયાળી વડિયા નોલી નાગડકા સહિતના અનેક વિસ્તારોમાં વધુ ઓછા પ્રમાણમાં વરસાદમાં જોવા મળતો હતો. જેમાં ખાસ કરીને ગાજવીજ સાથે જસાપર અને ધાંધલપુરના વિસ્તારમાં વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં ઉપર વાસના વરસાદને કારણે થોરિયાળી ડેમમાં પણ પાણીની આવક શરૂ થવા પામી હતી અને એક ફૂટ જેટલી પાણીની આવક શરૂ થઇ છે.અનેક વિસ્તારના તળાવો તેમજ નદી મોકલાવમાં પાણીની જોરદાર આવક શરૂ થઇ હતી. વરસાદના આગમને અને ગગન ભેદી અવાજ સાથે વીજળીના તાંડવે ધમરાસળા ગામના વાડી વિસ્તારમાં રહેતા વરજાંગભાઈ રૈયાભાઈ ખાંભા પોતાના ઘર તરફ ચાલીને આવતા હતા. આ દરમિયાન અચાનક આકાશી વીજળી તેમની ઉપર ત્રાટકી હતી. જ્યારે એક બીજા બનાવવામાં નવાગામ સીમ વિસ્તારમાં વાડીએ રખોપુ કરતા ચેતનભાઇ રઘુભાઈ ચૌહાણ વધુ વરસાદ થતાં પોતાના ઘર તરફ જતા હતા આ દરમિયાન તેમની ઉપર વીજળી પડતા શરીરના ભાગે ગંભીર ઈજા થતાં મોત થયું હતું.આ બાબતની પરિવારજનોને જાણ થતા બંને ઇજાગ્રસ્તોને ધાંધલપુર લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ આકાશી વીજળીથી ગંભીર ઈજા થયેલા બંને યુવાનોને ચોટીલા લઈ જવામાં આવ્યા હતા. ચોટીલા સરકારી દવાખાને બંને યુવાનોના આકાશી વીજળીથી મોત થયાનું જણાવતા પરિવારજનોમાં આઘાત સાથે આક્રંદ જોવા મળતો હતો.બંને યુવાનોની લાશને પીએમ માટે ચોટીલા દવાખાને કાર્યવાહી શરૂ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.