કામધેનુ યુનિવર્સિટી, રાજપુર દ્રારા જામળા મુકામે પશુ ચિકિત્સા કેમ્પ યોજાયો       સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર રાજપુર ખાતે આવેલ પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી વેટરનરી ક્લિનિકલ વિભાગ દ્રારા દુધ સહકારી મંડળી, જામળાના સહયોગથી જામળા ગામે  ગાયો-ભેંસો માટે એક પશુ ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

      આ કેમ્પનો મુખ્ય હેતુ ગામના છેલ્લા એક-બે વર્ષથી ગાભણ ન થતાં ગાયો અને ભેંસો માં વંધ્યત્વને લગતી બીમારીઓ નું નિદાન અને સારવાર થકી માદા પશુઓને ગાભણ કરવાનો હતો. આ કેમ્પની સાથે પશુપાલકોને પશુ પ્રજનન અને દૂધ દોહન વ્યવસ્થાપન બાબતે માર્ગદર્શન આપવાનું આયોજન કર્યું હતું. આ કેમ્પમાં ૨૦ ગાય અને ૧૦ ભેંસોને સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પ દરમ્યાન પશુઓમાં વંધ્યત્વને લગતા વિવિધ રોગો જેવા કે ગર્ભાશયનો સોજો, ઉથલા મારવા, હાયડ્રોમેટ્રા, સીસ્ટ, યુટેરાઇન એડહેશન જેવા કેશ નોંધાયા હતા જેની સારવાર પશુ વ્યંધત્વ નિષ્ણાત ડૉ. જી. આર. ચૌધરી અને પશુ શસ્ત્ર ક્રિયા નિષ્ણાત ડૉ. ટી. પી. પટેલ અને ટીમ દ્વારા કરવામા આવી હતી. બીજી સારવાર કરવાની જરૂરિયાત ધ્યાને લઈ પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટીના આચાર્ય ડો. બી. પી. બ્રહ્મક્ષત્રીએ રિપીટ કેમ્પ કરવા માટે સહયોગ આપવા ખાતરી આપી હતી.

    આ કેમ્પમાં ૪૦ જેટલા પશુપાલક ભાઈ-બહેનોને પશુપાલન નિષ્ણાત ડૉ. એલ. એમ. સોરઠિયાએ પશુઓમાં જોવા મળતી આઉના સોજાની બીમારી કે જેના લીધે પશુઓના આંચળ ખરાબ થવાને લીધે તેવા પશુ તેમના માલિક માટે બોજો ન બની જાય તે માટે તેને અટકાવવા માટે  દૂધ દોહનની સાચી રીત અને પશુ રહેઠાણમાં સાફ-સફાઈ વ્યવસ્થાપનની સમાજ આપી હતી. પશુ પ્રજનન નિષ્ણાત એસ. બી. દેશપાન્ડેએ પશુપાલકોને પશુઓને ગરમીમાં લાવતા પરિબળોની સરળ સમજૂતી આપવા સાથે યોગ્ય સમયે નિષ્ણાત પાસેજ કૃત્રિમ બીજદાન કરાવવાની સમજ આપી હતી. આ કેમ્પના સફળ આયોજન માટે જામળા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખશ્રી જેઠાભાઇ પટેલ અને મંત્રીશ્રી હરેશભાઈ પટેલ તેમજ પશુપાલક મિત્રોએ કામધેનુ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ આ ભગીરથ કાર્યમાં સહયોગ આપ્યો હતો.