સુરેન્દ્રનગર શહેરના રેલવે સ્ટેશને પાર્ક કરેલા બાઈકની ચોરી ચિંતાજનક રીતે વધતી હતી. ત્યારે રેલવે પોલીસે કંડલાના શખ્સને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનેથી ચોરેલા બાઈક સાથે ઝડપી લીધો છે.આ શખ્સનું સાસરૂ સુરેન્દ્રનગર છે અને સાસરે આવેલો યુવાન બાઈક ચોરી કરીને લઈ ગયો હતો.સુરેન્દ્રનગરની વાદીપરા શેરી નં. 7માં રહેતા ભરતભાઈ રામજીભાઈ ગોહીલ દવાના વેપારી છે. તા. 6 જૂનના રોજ તેમનો ભાઈ રવી રામજીભાઈ ગોહીલ બાઈક લઈને રેલવે સ્ટેશને કોઈ કામે ગયો હતો. અને પ્લેટફોર્મ નં. 1ના રાજકોટ તરફના છેડે લીંબડાના ઝાડ નીચે બાઈક પાર્ક કર્યુ હતુ. ત્યારે કોઈ અજાણ્યો શખ્સ 50 હજારની કિંમતનું યામાહા ફાઈઝર બાઈક ચોરી કરીને લઈ ગયાની રેલવે પોલીસ મથકે ફરિયાદ નોધાઈ હતી. આ બનાવની તપાસ કરતા અધિકારી પી.એસ.આઈ જયેન્દ્રસીંહ ચુડાસમાને આ બાઈક ચોરનાર કંડલામાં હોવાની બાતમી મળી હતી.આથી સ્ટાફના હરપાલસીંહ, દીગુભા, અલ્પેશભાઈ સહિતનાઓને સાથે રાખી કંડલા મરીન પોલીસની મદદથી તપાસ હાથ ધરી હતી. જેમાં 27 વર્ષીય આદમ અબ્દુલભાઈ જામને ચોરીના રૂપીયા 50 હજારના બાઈક સાથે પકડી લીધો હતો. આ શખ્સનું સાસરૂ સુરેન્દ્રનગર છે અને તે સાસરે આવ્યો ત્યારે બાઈકની ચોરી હોવાનું સામે આવ્યું હતું.