કડીમાં દિવસેને દિવસે સગીરાઓ ગુમ થવાના અને ભગાડી જવાના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. કડી તાલુકાના એક ગામમાં રહેતા પરિવારની 16 વર્ષની સગીરાને મૂળ બિહારનો યુવક લગ્નની લાલચ આપી ભગાડી જતા પરિવાર લાચાર બની ગયો હતો. જેથી કડી પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યો હતો અને યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.
કડી તાલુકાના એક ગામમાં રહેતા સગીરાના પિતા એક કંપનીમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. તેમને ત્રણ દીકરીઓ છે. જેઓ પોતાના ઘરેથી નીકળી પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરવા માટે જાય છે. સાંજના સમયે ઘરે આવતા સગીરાની માતાએ જણાવ્યું કે, 'આપણી નાની દીકરી સાંજે 5:00 વાગ્યે ઘરેથી નીકળી છે અને હજુ સુધી આવી નથી. આજુબાજુ તપાસ કરી પણ ક્યાંય ન મળી'. જે બાદ સગીરાના પિતાએ ગામની અંદર તપાસ કરી હતી. તેમજ સગા સંબંધીઓને પણ જાણ કરી. પરંતુ દીકરીની કોઈ જ ભાળ મળી ન હતી. જેથી તેઓએ તેમના જમાઈને જાણ કરી હતી.
સગીરાના પિતાએ તેમના જમાઈને જાણ કરતા તેમના જમાઈ ઘરે આવી પહોંચ્યા હતા. બંને જણા દીકરીની શોધખોળ કરવા લાગ્યા હતા. જે કંપનીમાં દીકરી નોકરી કરતી હતી ત્યાં પણ તપાસ કરવા પહોંચ્યા હતા, પરંતુ ત્યાં પણ કોઈ ભાળ મળી ન હતી. કંપનીમાં પહોંચતા તેઓને માલુમ થયું કે બુડાસણ ગામમાં રહેતો ઠાકુર બોસકી જયરામભાઈ કે જેનું વતન બિહાર છે. આથી પરિવારજનો તે યુવકના ઘરે પહોંચ્યા હતા. પરંતુ ઘર બંધ હતું. તેના મોબાઈલ ઉપર ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. પરિવારને જાણ થઈ કે આ યુવક તેમની 16 વર્ષની સગીર દીકરીને ભગાડી લઈ ગયો છે. આ જાણી પરિવાર લાચાર થઈ ગયો હતો અને કડી પોલીસ સ્ટેશન ખાતે યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.