પાવીજેતપુર તાલુકાના બારાવાડના છલિયા ઉપરથી પાણી પસાર થતાં ૧૫ થી વધુ ગામોનો તાલુકા સાથેનો સંપર્ક ખોરવાયો
પાવીજેતપુર તાલુકાના બારાવાડ ના છલિયા ઉપરથી પાણી પસાર થતાં સામે બાજુના ૧૫ થી વધુ ગામોનો પાવીજેતપુર સાથેનો સીધો સંપર્ક ખોરવાઈ જવા પામ્યો હતો. તેમજ બારાવાડના જ ભક્તિ ફળિયાના ૩૦ થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા હતા.
પાવીજેતપુર પંથકમાં વહેલી સવારથી જ મેઘાની પધરામણી થઈ જવા પામી હતી. સવારે બે કલાકમાં ૫૦ એમએમ તેમજ ૮ થી ૧૦ વાગ્યાના સમયમાં ૧૧ એમએમ જેટલો વરસાદ વરસતા ઠેક ઠેકાણે પાણી થઈ ગયા હતા. ત્યારે બારાવાડના કોતર ઉપર બનાવેલ છલીયા ઉપરથી કેળસમું પાણી પસાર થતા સામે બાજુના ખાંડીયા કુવા ગેડીયા, પાલનપુર, ખડકલા વગેરે ૧૫ થી વધુ ગામોનો તાલુકા સાથેનો સીધો સંપર્ક ખોરવાઈ ગયો હતો. જ્યારે છલિયાની આ બાજુ આવેલ બારાવડ ગામના ભક્તિ ફળિયાના ૩૦ જેટલા વિદ્યાર્થીઓ છલિયા ઉપરથી પુર પાટે વહેતા પાણીના કારણે સામે બાજુ આવેલી નિશાળે ન જઈ શકતા તેઓ શિક્ષણથી વંચિત રહેવા પામ્યા હતા. દર વર્ષે વરસાદનું પ્રમાણ વધતાં આ છલિયા ઉપર થી પાણી પુરપાટ ઝડપે પસાર થાય છે જેને લઇ આ વિસ્તારના ગામડાઓનો તાલુકા સાથેનો સીધો સંપર્ક ખોવાઈ જાય છે. અને જો એમાં પણ હેલી જેવું વાતાવરણ થઈ જાય તો બે ત્રણ દિવસ સુધી છલીયાની પેલી બાજુ વાળા આ બાજુ અને આ બાજુવાળા પેલી બાજુ જઈ શકતા નથી. આ છલિયાના કારણે સામે બાજુના ખેતરોમાં પણ ખેડૂતો જઈ શકતા નથી.
પાવીજેતપુર પંથકમાં આગળનો ૪૦૭ એમ એમ તેમજ સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીનો ૬૧ mm મળી કુલ ૪૬૮ એમએમ વરસાદ થવા પામ્યો છે. પાવીજેતપુર તાલુકામાં એવરેજ ૧૦૬૮ એમએમ જેટલો વરસાદ જોઈએ તે હિસાબે ૪૩.૮૨ ટકા વરસાદ થઈ જવા પામ્યો છે.
આમ, પાવીજેતપુર તાલુકાના બારાવાડ ના છલીયા ઉપર થઈ પાણી વહેતા પંદરથી વધુ ગામોની જનતાને હાલાકી નો સામનો કરવો પડ્યો હતો તંત્ર આ સમસ્યાનો નાનો પુલ બનાવી સમાધાન કરે તેવી જનતાની બુલંદ માં ઉઠી છે.