સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં 05-07-2023ના રોજ કોમનપ્લોટમાં મુકેલી ઇકો કારનું સાયલેન્સર ચોરાયુ હતુ. આ ચોરીની પોલીસે નેત્રમ ના કેમેરાની મદદથી તપાસ કરતા ઝડપાયેલા આરોપીઓ પાસેથી બીજી 22 ચોરીઓનો ભેદ ઉકેલાયો છે. જિલ્લા પોલીસવડાની સૂચના મુજબ શહેરમાં વણઉકેલાયેલ ગુનાઓ માટે એક્શન પ્લાન તૈયાર કરીને ટીમ બનાવીને તાત્કાલિક પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી હતી. જે અન્વયે 12-07-23ના રોજ નોંધાયેલ ફરિયાદ મુજબ રતનપરના આદિત્યપાર્કમાં કોમન પ્લોટમાં મુકેલી સફેદ ઇકો કારનું સાયલેન્સર ચોરી થયુ હતુ.આ બાબતે પોલીસે નેત્રમ ટીમની મદદ લઇ સીસીટીવી ફૂટેજ તપાસતા આરોપીઓ પોતાની કાર લઇ ચોરી કરવા આવ્યા હોવાનું ધ્યાને આવ્યુ હતુ. ત્યારબાદ એ નંબરની કાર પર વોચ રાખી શ્રધ્ધા હોટેલ પાસે રહેતા સલીમશા ઇસુબશા દિવાન અને ધોળકાના વસીમશા ફકીર એમ બે આરોપીઓને ઝડપી લેવાયા હતા. આરોપીઓની વધુ પૂછપરછ કરતા તેમણે સુરેન્દ્રનગર લખતર રોડ, સુરેન્દ્રનગર લીમડી રોડ અને સીટી વિસ્તારમાંથી બીજી 22 કારના સાયલેન્સર ચોરી કર્યા હોવાનું ખુલ્યુ હતુ. ચોરીમાં સાથ આપનાર અન્ય 3 આરોપીઓની શોખોળ ચાલુ છે.પકડાયેલા બે આરોપીઓની પુછપરછ પોલીસે હાથ ધરી હતી.જેમાં તેમની સાથે અન્ય આરોપીઓ પણ ગુનાહીત પ્રવૃતિમાં જોડાયાનુ ખુલ્યુ હતુ.આ ચોરીમાં ધોળકાના મફતીયાપરાના રહીશ લતીફ હાજીશા ફકીર, ધોળકાના પોલીસસ્ટેશન પાછળના ચોરા પાસેના બાબુ વેપારી, ધોળકાના બેકા ટેકરી પાસેના કમરૂદ્દીન ઉર્ફે લાલો રંડી મહેબુબમીયા મીરનુ નામ ખુલતા પોલીસે તપાસ હાથ ધરી છે.વધુ તેમણે જણાવ્યું હતું કે ઇકો કારના સાયલેન્સર સરળતાથી ખુલી જાય તેવા હોવાથી માત્ર ઇકો કારને જ નિશાન બનાવતા. આ કાર વજનમાં હલકી હોવાથી ઉચી કરીને સાયલેન્સર ખોલી શકાય. સેક્ધડહેન્ડ સાયલેન્સરની માંગ વધુ હોવાથી તુરત જ સારા ભાવમાં વેચાઇ જાય.સલીમશા દિવાન સામે રાજકોટ શહેર એરપોર્ટ પોલીસસ્ટેશન, માળીયા મીયાણા પોલીસસ્ટેશન, ધ્રાંગધ્રા સીટીમાં ત્રણ, લીંબડી, સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝનમાં બે એમ દારૂ અંગે અને આઇપીસી અંગે ફરીયાદ છે. જ્યારે લતીફ હાજીશા ફકીર સામે રાધનપુર અને ઘાટલોડીયા સ્ટેશન આઇપીસી ગુનો નોંધાયેલો છે. કમરૂદ્દીન સામે ધોળકા પોલીસ સ્ટેશને 9 ફરીયાદ અને સાણંદમાં પણ ફરીયાદ નોંધાયેલી છે.