ડીસા માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે બાજરી વેચવા માટે ખેડૂતોની લાંબી કતાર લાગી છે. બજારભાવ કરતા ટેકાના ભાવે 100થી 130 રૂપિયા વધુ મળતા ખેડૂતો ટેકાના ભાવે બાજરી વેચવા માટે ઉમટી પડ્યા હતા.
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ બાજરીનું વાવેતર થાય છે. જેમાં ખેડૂત શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણેય સિઝનમાં બાજરીનું ભરપૂર વાવેતર કરે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી માર્કેટમાં બાજરીના પૂરતા ભાવ ન મળતા સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ કર્યું છે. ત્યારે આ વર્ષે બજારભાવ કરતા ટેકાના ભાવમાં સો રૂપિયાનો વધારો હોવાથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે.
અત્યારે ડીસા માર્કેટયાર્ડમાં પણ ટેકાના ભાવે બાજરી ખરીદવાનું શરૂ કરાયું છે. ત્યારે ડીસા આજુ બાજુમાં રહેતા ખેડૂતોએ બાજરી વેચવા માટે માર્કેટયાર્ડમાં લાંબી કતાર લગાવી દીધી છે. ખુલ્લા માર્કેટમાં અત્યારે બાજરીના મણે 400થી 430 રૂપિયાનો ભાવ મળે છે. જ્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે 530 રૂપિયા આપવામાં આવે છે. જેથી ખેડૂતોને મણે 100 રૂપિયાનો સીધો ફાયદો થાય છે અને તેથી ખેડૂતો પોતાના ખેતરમાંથી ટ્રેક્ટર સહિતના વાહનોમાં બાજરીની બોરીઓ ભરી વેચવા માટે ડીસા માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે.
આ અંગે ડીસા ગોડાઉન મેનેજર કેતન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ડીસામાં આ વખતે બાજરી વેચવા માટે 2000 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે. જેમાં અત્યાર સુધી 200 જેટલા ખેડૂતોની બાજરીની ખરીદી થઈ છે. બાકીના ખેડૂતોની મગફળી નંબર મુજબ ખરીદવાનું ચાલુ છે. બાજરીનો બજાર ભાવ અત્યારે મણે 400થી 430 રૂપિયા જેટલો છે. જ્યારે સરકાર 530નો ભાવ આપે છે. જેથી ખેડૂતોને 100થી 130 રૂપિયાનો સીધો ફાયદો થાય છે.