રાણપુરમાં અણીયાળી રોડ પર આવેલ પાંજરાપોળમાં આશરે ૧૫૦૦ આસપાસ નાના મોટા પશુઓ આશ્રય લઈ રહ્યા છે. જેમાં છેલ્લા દસ દિવસમાં ૧૫૮ પશુઓ મોતને ભેટતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વરસાદ વરસતા પાંજરાપોળમાં પાણી ભરાઈ રહેતા તેમાં છાણ અને કાદવના થર ઢીંચણ સમા જામેલા જોવા મળેલ છે ગંદકીના સામ્રાજ્યને લઈને મોટા પ્રમાણમાં પશુઓના મોત થયાનું ચર્ચા રહ્યું છે. જૂન મહિનામાં પણ ૯૦ પશુઓના મોત થયા છે હાલ રાણપુર પાંજરાપોળમાં છેલ્લા દસ દિવસમાં ૪૭ ગાયો,૩૫ વાછરડા, ૪૨ પાડા,૩૪ આખલા ના મૃત્યુ થયા હોવાનું પાંજરાપોળના રજીસ્ટરમાં નોંધાયું છે. રોજે રોજ મળતા મૂંગા પશુઓના મૃતદેહોનો ખડકલો થાય છે. હાલમાં પણ અસંખ્ય પશુઓ દયનીય હાલતમાં જીવતા હોય તેવું જોવા મળે છે ગંદકીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવા અંગે રાણપુર પાંજરાપોળના ટ્રસ્ટી સાથે વાત કરતા જાણવા મળે છે કે રાણપુર પાંજરાપોળમાંથી પાણીનો નિકાલ સોસાયટી તરફ થતો હતો જે સોસાયટીના રહીશો દ્વારા રોડ પર પાણી આવતા બંધ કરાવેલ છે, તેનાં કારણે પાણીનો ભરાવ થાય છે. બીજી તરફ પાંજરાપોળમાં મૂકવા આવતા પશુઓ મોટાભાગે માંદા અને ઇજાગ્રસ્ત હોય છે. પાંજરાપોળમાં તો પશુ ડોક્ટર રોજિંદી મુલાકાત લે છે પરંતુ ચોમાસાના લીધે વધુ પશુઓના મૃત્યુ થયા છે. ત્યારે પાંજરાપોળ માંથી પાણીના નિકાલની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે ગોઠવી પશુઓને બચાવી લેવા તંત્રની પાસે માંગ કરવામાં આવી રહી છે.
Dharmendra lathigara, Botad.