એક તરફ મોંઘવારીએ બધી હદો વટાવી દીધી છે તો બીજી તરફ બેરોજગારી સતત વધતા લોકોની આર્થીક સંકળામણના લીધે આપઘાતના કીસ્સાઓ દિવસે ને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. ડીસા તાલુકાના માલગઢ ગામે રહેતા અને ઢોલ વગાડીને પોતાના પરિવારનો જીવન નિર્વાહ કરતા નગુભાઈ વાલ્મિકી તેમજ પાંચ સંતાનો અને માતા સહિત સાત સભ્યોની ભરણપોષણની જવાબદારીથી કંટાળી નગુભાઈએ પાંચ દિવસ અગાઉ પોતાની માતા અને પાંચે સંતાનોને ઝેરી દવા પીવડાવી પોતે પણ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી ઝેરી દવાની અસર થતા તમામ સભ્યોને પ્રથમ ડીસા અને ત્યારબાદ પાલનપુર સારવાર અર્થે લઈ જવાયા હતા. જેમાં બે દિવસ અગાઉ નગુભાઈના એક વર્ષના પુત્ર સાગર વાલ્મિકીનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. જ્યારે નગુભાઈની તબિયત પણ ગંભીર હોવાથી સારવાર દરમિયાન મોત થયુ હતુ. સાત સભ્યોના પરિવારમાંથી પુત્રના મોત બાદ પિતાનું મોત થતાં પરિવારનો મુખ્ય આધાર સ્તંભ ભાંગી પડ્યો હતો. પરિવારમાં ચાર બાળકો અને દાદીમાં પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે ડીસામાં વાડીરોડ વિસ્તારમાં આવેલા બ્રહ્મપુરી સોસાયટી ખાતે રહેતો મનીષ જોશી નામનો યુવક છૂટક મજૂરી કરીને પોતાના પરિવાર નુ ગુજરાન ચલાવતો હતો. જો કે છેલ્લા ઘણા સમયથી પૂરતી મજૂરીકામ ન મળતા તે આર્થિક રીતે કંટાળી ગયો હતો. ચાર દિવસ અગાઉ ઝેરી પ્રવાહી ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.  તેના પરિવારજનો અને સગા સંબંધીઓએ તેને સારવાર માટે તાત્કાલિક ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ચાર દિવસથી ખાનગી હોસ્પિટલમાં દાખલ મનીષ જોષીનુ પણ સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. જ્યારે ચાર સંતાનના પિતાનું મોત થતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. જ્યારે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીમાં રહેતા દક્ષાબેન ચૌહાણે પોતાની બે દીકરીને ઝેરી દવા પીવડાવી અને તેમનુ ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી હતી. બાદમાં પોતે પણ ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામ્યો હતો. આપઘાતનો પ્રયાસ કરતા બચાવી લેવામાં આવેલી મહિલાને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર પોલીસને સુસાઇડ નોટ પણ મળી આવી છે. આ ઘટના પાછળ આર્થિક ભીંસ કારણભૂત હોવાનું કહેવાય છે. માતાના હાથે મોતને ઘાટ ઉતારાયેલી બે દીકરી પૈકી મોટી દીકરી હની ટી.વાય . બીકોમમાં અભ્યાસ કરતી હતી, જ્યારે નાની દીકરી શાલિની ધોરણ 9 માં અભ્યાસ કરતી હતી. બંને દીકરીના હાથ-પગ બાંધી ઝેરી દવા પીવડાવી હતી, પરંતુ દીકરીઓ ન મરતા તેમના ગળા દબાવી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. એ બાદ માતાએ ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મોટી દીકરીને એર હોસ્ટેસ બનવું હતું, જ્યારે માતા દક્ષાબેન SSG હોસ્પિટલમાં ICU માં સારવાર હેઠળ છે.