કડી શહેરમાં અલગ અલગ વિસ્તારમાં પ્રાઇવેટ વાહનોમાં ગુજરાત SMCના અધિકારીઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે જેઓને માહિતીના આધારે ફિલ્મી ઢબે કારનો પીછો કરીને કડી હાઇવે ચાર રસ્તા પાસે તેને કોર્નર કરીને ઉભી રાખીને અંદરથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે દારૂ ભરેલી ગાડીનો ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. અધિકારીઓએ દારૂનો જથ્થો જપ્ત કરીને કાર્યવાહી કરી હતી.
ગુજરાત સ્ટેટ મોનીટરિંગ સેલના અધિકારીઓ કડી શહેરમાં અલગ અલગ પ્રાઇવેટ વાહનોમાં પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી. કે, એક સફેદ ગાડીમાં થોળ ગામ તરફથી દારૂ આવવાનો છે અને જે કડીમાં ડિલિવરી થવાનો છે. જે આધારે અધિકારીઓના માણસો કડી-થોળ રોડ ઉપર આવેલા અંડર બ્રિજ પાસે વોચ ગોઠવીને ઉભા હતા. જે દરમિયાન એક સફેદ કલરની બલેનો કાર આવતા ગાડીને ઉભી રાખવાની કોશિશ કરી હતી, પરંતુ ગાડી ચાલકે ગાડી ઊભી નહીં રાખીને ફૂલ ઝડપે ભગાડી મૂકી હતી.
અધિકારીઓએ ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરીને કડી હાઇવે ચાર રસ્તા પાસે ગાડીને રોકી દીધી હતી. જ્યાં ગાડી રોકતાની સાથે જ ગાડી ચાલક ગાડી મૂકીને ભાગી ગયો હતો. અધિકારીઓએ ગાડીની તલાસી કરતાં ગાડીમાંથી 408 અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. 1,63,200નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને બલેનો ગાડી કિંમત રૂપિયા 5 લાખની જપ્ત કરીને ગાડી ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.