દાંતાના મંડાલીના આર્મી જવાનનું બુધવારે બ્રેન હેમરેજથી નિધન થયું છે. 4 દિવસ અગાઉ અંબાજી દર્શન કરવા ગયા હતા જ્યાં પડી જવાથી અંબાજી કોટેજ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઇ ગયા હતા જ્યાં વધુ સારવારની જરૂર જણાતા હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં 4 દિવસની સારવાર દરમિયાન આર્મી અંતિમ શ્વાસ લીધા હતા.જેથી અમદાવાદ સ્થિત આર્મીના કેમ્પમાં પીએમ કરાવી ડિફેન્સ ટીમ દ્વારા આર્મીવાનમાં માન સન્માન સાથે મૃતદેહ વતન લાવી ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિધિ કરાઇ હતી.

દાંતા તાલુકાના મંડાલી ગામના ભાવેશકુમાર બાબુભાઈ પરમાર (ઉ.26) 7વર્ષથી આર્મીમાં જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા હતા. સપ્તાહ અગાઉ વતન મંડાલી આવ્યા હતા જ્યાં ચાર દિવસ અગાઉ અંબાજી ગયા હતા જ્યાં અચાનક પડી જવાથી બ્રેઈન હેમરેજ થયું હતું. અને તુરંત હિંમતનગર ન્યુરોસર્જન પાસે સારવાર માટે લઈ જવા આવ્યા હતા જ્યાં ચાર દિવસ સુધી સારવાર ચાલી હતી. સારવાર કરનાર ન્યુરો સર્જન ડો. દિનેશ તિવારીએ જણાવ્યું કે " બે દિવસ પહેલા તબિયત સારી થઈ ગઈ હતી પરંતુ અચાનક જ કાઉન્ટ ઘટી ગયા હતા અને ગઈકાલે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ."

આ અંગે મંડાલી ગામના અગ્રણીએ જણાવ્યું કે" હિંમતનગરથી આર્મી કેમ્પમાં લઈ જઈ તેમનું પોસ્ટમોર્ટમ કરાયું હતું અને તમામ કાર્યવાહી પૂર્ણ કરીને ડિફેન્સ ટીમ આર્મી વાનમાં સંપૂર્ણ માન સન્માન સાથે ગુરુવારે સાંજે મંડાલી ગામ આવતા આખું ગામ હિબકે ચડ્યું હતું. મંડાલી ગામના તમામ લોકો ભાવેશની અંતિમયાત્રામાં જોડાયા હતા. રાત્રે ગાર્ડ ઓફ ઓનર આપી શહીદને શ્રદ્ધાંજલિ અપાઇ હતી. ભાવેશે લગ્ન કર્યા નહોતા. એના પરિવારમાં પિતા બાબુભાઈ ખેત મજૂરી ઉપરાંત રત્નકલાકાર છે. ભાવેશનો એક મેહુલ નામનો નાનો ભાઈ છે તે પણ અત્યારે આર્મીમાં જવા માટેની તૈયારી કરી રહ્યો છે