ડીસાના જૂના માલગઢ ગામે ગત રાત્રિએ એક જ પરિવારના સાત લોકોએ જંતુનાશક દવા ગટગટાવી સામૂહિક આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. ઘટનાને પગલે તમામ અસરગ્રસ્ત લોકોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે ડીસાની સરકારી હોસ્પિટલમાં સુવિધાઓના અભાવે અસરગ્રસ્તોને વધુ સારવાર માટે પાલનપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. હાલ જાણવી મળતી વિગતો મુજબ અત્યારે તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે અને તમામની તબિયત સુધારા પર છે. જોકે પત્નીના મોત બાદ માનસિક પ્રેશરમા રહેતા હોવાથી આ પગલુ ભર્યુ હોવાનું સામે આવ્યું છે.
ડીસા તાલુકાના જૂના માલગઢ ગામે એક જ વાલ્મિકી પરિવારના સાત લોકોએ સામૂહિક આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જૂના માલગઢ ગામના પાવર હાઉસની બાજુમાં રહેેતાં નગુભાઈ માલાભાઈ વાલ્મિકી મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા દિવસ પહેલા જ તેમની પત્નીનું અવસાન થયું હતું. ત્યારબાદ ગત મોડી રાત્રે નગુભાઈ વાલ્મિકી તેમની માતા, બે દીકરી અને ત્રણ દીકરા સહિત સાત લોકોએ જંતુનાશક દવા પી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. ઘટનાની જાણ થતાં જ આજુબાજુમાં રહેતા તેમના સગા સંબંધીઓ દોડી આવી તમામ અસરગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
સામૂહિક આત્મહત્યા થઈ હોવાની ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સના પાયલોટ સંજુભાઈ મેહુલભાઈ ચૌધરી સહિતની ટીમ તાત્કાલિક જૂના માલગઢ ખાતે પહોંચી હતી અને તમામ અસરગ્રસ્ત લોકોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ જરૂરી તબીબી સાધનો અને ડોક્ટરના અભાવે તમામ અસરગ્રસ્ત લોકોને વધુ સારવાર માટે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં હાલ જાણવા મળતી વિગતો મુજબ પિતા અને એક પુત્ર ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અત્યારે તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે અને તમામની તબિયત સુધારા પર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડીસાની સરકારી હોસ્પિટલને જિલ્લા કક્ષાની હોસ્પિટલનો દરજ્જો તો મળી ગયો છે, પરંતુ હજુ સુધી પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ થઈ નથી. જેમાં ખાસ કરીને ફિઝિશિયન ડોક્ટર, સોનોગ્રાફી મશીન, સીટી સ્કેન, આઇસીયુ સહિતની સુવિધાઓ ન હોવાના કારણે રોજબરોજ અહીં આવતા અનેક દર્દીઓને સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવે છે. ત્યારે ડીસાની સરકારી હોસ્પિટલને હવે જિલ્લા કક્ષાની હોસ્પિટલનો દરજ્જો મળ્યા બાદ અહીં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી લોકોની માગ છે.
આ અંગે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, ડીસા તાલુકાના જૂના માલગઢ ગામની આ ઘટના છે. જે નગુભાઈ વાલ્મિકી તેમના પાંચ સંતાનો અને માતા સાથે રહે છે. તેમની પત્નીનું એક મહિના અગાઉ મૃત્યુ થયું હતું અને ત્યારથી તેઓ માનસિક પ્રેશરમાં હતા. ઘરમાં બીજું કોઈ કામ કરવાવાળું હતું નહીં એટલે એક પ્રકારે પ્રેશર રહેતું હતું તેવુ તેમની માતાએ નિવેદનમાં જણાવ્યું છે. તેઓ રાત્રે બાળકો માટે લસ્સી લઈ આવ્યા હતા અને તેમાં ઝેર ભેળવીને તમામને પીવડાવી દે છે. પોલીસના ધ્યાને આવતા જ તાત્કાલિક તમામ લોકોને સારવાર માટે ખસેડ્યા છે. અત્યારે તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે અને તમામની તબિયત સુધારા પર છે.
અસરગ્રસ્તોના નામ:
નગુભાઈ માલાભાઈ વાલ્મીકિ (પિતા-ઉં.વ.32)
જગલબેન માલાભાઈ વાલ્મીકિ (દાદી)
સેજલ નગુભાઈ વાલ્મીકિ (પુત્રી-ઉં.વ.1)
સાગર નગુભાઈ વાલ્મીકિ (પુત્ર-ઉં.વ.2)
હિંમત નગુભાઈ વાલ્મીકિ (પુત્ર-ઉં.વ.7)
ધારિકા નગુભાઈ વાલ્મીકિ (પુત્રી-ઉં.વ.10)
સચિનભાઈ નગુભાઈ વાલ્મીકિ (પુત્ર-ઉં.વ.11)