અમદાવાદ 

વાસણાના સ્વામિનારાયણ પાર્કરમાં રહેતા લાડીબેન કુમાવત નામના એક મહિલાએ સોસાયટીના જ કૂતરાના ગલુડિયાઓને બેરહેમીથી માર માર્યો છે. 2 મહિનાના ત્રણ ગલુડિયાઓને મહિલાએ માથાંમાં અને પગ પર લોખંડની પાઇપ મારી હતી. જેના કારણે ગલુડિયાને ગંભીર ઇજા થઇ હતી. આ અંગે સામાજિક સંસ્થાને જાણ થતાં મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
 
પ્રાણીઓ માટેની સંસ્થા ચલાવતા દીપા જોશી નામના મહિલાએ વાસણા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, વાસણા સ્વામિનારાયણ પાર્કમાં રહેતા લાડીબેન કુમાવતે સોસાયટીની શેરીના ગલુડિયાઓને રાતે લોખંડની પાઈપ વડે માર માર્યો છે. ગલુડિયાઓને માથાંના ભાગે તથા પગના ભાગે ઇજા પહોંચાડી છે . જેના કારણે ગલુડિયા લોહીલુહાણ થઈ ગયા છે. સોસાયટીના સભ્યો વચ્ચે પડયા તો કૂતરાની બાબતમાં તમે કેમ વચ્ચે પડો છો, હું તમને જોઈ લઈશ તેવી ધમકી પણ આપી હતી. ત્યાર બાદ સોસાયટીના સભ્યોએ દીપબેનને ફોન કરીને જાણ કરી હતી. જેથી દીપાબેને તમામ ગલુડિયાઓને પાંજરાપોળ સારવાર માટે લાવવા જણાવ્યું હતું. ગલુડિયાઓને સારવાર માટે લઈ જવામાં આવ્યા ત્યારે એક ગલુડિયાને માથામાં પાઇપ મારવાને કારણે હેમરેજ થઈ ગયું અને 2 ગલુડિયાને પગ પર પાઇપ મારવાને કારણે હંમેશા માટે અપંગ થઈ ગયા છે. જે મામલે વાસણા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.