અમદાવાદ

શહેરમાં દિનપ્રતિદિન છેડતી, દુષ્કર્મ સહિતના બનાવો વધવા માંડ્યા હોય એમ લાગી રહ્યું છે. ત્યારે એક યુવતીએ સીઆઈએસએફ જવાન વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી.જે મામલે મેઘાણીનગર પોલિસે યુવતી સાથે શારીરિક અડપલાં કરનાર સીઆઈએસએફ જવાન શ્યામશંકર સિંગની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજસ્થાનના જયપુરમાં રહેતી યુવતીને થોડા સમય પહેલા ગાંધીનગર ખાતે ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે કાઉન્સેલીંગ માટે આવી હતી. યુવતીનાં પિતા જયપુરમાં સીઆઈએસએફ માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે જ્યાં તેઓની સાથે આરોપી શ્યામશંકર સિંગ નોકરી કરતો હતો.જેનું બે મહિના પહેલા અમદાવાદ એરપોર્ટ પર પોસ્ટીંગ થતા તે અમદાવાદ રહેતો હોવાથી યુવતીને માતા સાથે હોટલમાં ન રોકાઈ આરોપીએ પોતાનાં ઘરે રોકાવાનું કહેતા યુવતી રોકાઈ હતી.યુવતી રાતનાં સમયે સુઈ રહી હતી ત્યારે અચાનક તેના શરીર પર કોઈ હાથ ફેરવતુ હોવાનું તેને લાગતા તે જાગી ગઈ હતી જે સમયે તેણે પિતાના મિત્ર શ્યામશંકરને પોતાની શરીરે હાથ ફેરવી અડપલા કરતા જોતા તે ચોંકી ગઈ હતી..જોકે તે સમયે યુવતીની માતા જાગી જતા શ્યામશંકર ત્યાંથી ભાગી ગયો હતો. જે બાદ માતા સાથે ફરિયાદી તરત જ ત્યાંથી નિકળી કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી હતી, જ્યાંથી યુવતીએ પિતાને આ ઘટના અંગે જાણ કરતા પિતાએ સીઆઈએસએફ યુનીટને જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવાનું કહેતા યુવતીએ સીઆઈએસએફ યુનિટને જાણ કરી હતી.બાદમાં યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલિસે આરોપીની ધરપકડ કરી હતી.