અમદાવાદ
રાજ્યમાં છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એ.ટી.એમ મશીન સાથે ચેડાં કરીને બેંકો સાથે છેતરપિંડી કરતી મેવાતી ગેંગને સાયબર ક્રાઇમની ટીમે પકડી પાડી છે.
જ્યારે સાયબર ક્રાઇમની કસ્ટડીમાં ઉભેલા આ આરોપીઓ રાહુલ સાજીદ ખાન અને મોહમદ ઈલિયાશ છે. તેઓએ બેન્ક સાથે છેતરપિંડીનો નવો કીમિયો અજમાવ્યો છે. જેમાં આરોપીઓની મોડેસ ઓપરેડિસીની વાત કરીએ તો આરોપીઓ એ.ટી.એમ મશીન પાસે જઈને કાર્ડ ઘસીને નાણાં ઉપાડતા અને એ નાણાં જેવા મશીનમાંથી બહાર આવે કે તેઓ અડધા મશીનની અંદર અને અડધા મશીનની બહાર પકડીને ઉભા રહેતા હતા. જેથી મશીન નો ટાઈમ આઉટ થાય કે તરત જ નાણાં કાઢી લેતા હતા. જેના કારણે બેંકમાં આ નાણાં નીકળ્યાની કોઈ એન્ટ્રી થાય નહિ અને બેંકમાં આ બાબતે ફરિયાદ કરો તો સાત દિવસમાં જે તે બેન્ક એકાઉન્ટમાં નાણાં પરત મળી જાય ત્યારે આ રીતે બેન્ક સાથે છેતરપિંડી આચરતા હતા. ત્યારે આરોપીઓ હરિયાણાના હોવાનુ સામે આવ્યું છે. જ્યારે પોલીસે બાતમીના આધારે રિલીફ રોડ પાસેથી બંનેને ઝડપી પાડ્યા છે. ત્યારે આરોપીઓએ ખરેખર કેટલી બેંકો સાથે કેટલા રૂપિયાની છેતરપિંડી આચરી તેની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે હાલમાં પોલીસે બને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.