બનાસકાંઠાના ધાનેરા-થરાદ હાઈવે પર આજે વહેલી સવારે એક સ્કોર્પિયો કાર બેકાબૂ બનતા રસ્તાની બાજુ પર આવેલી ત્રણ દુકાનોમાં અથડાઈ હતી અને ત્યારબાદ ડિવાઈડર સાથે ટકરાતા પલટી ગઈ હતી. કારમાં સવાર સાત લોકોમાંથી ત્રણનાં મોત નીપજ્યાં છે. જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

બનાસકાંઠાના ધાનેરાઃથરાદ હાઈવે પર આજે પરોઢિયે પૂરપાટ ઝડપે જઈ રહેલી સ્કોર્પિયો કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર બેકાબૂ બની હતી અને રસ્તાની બાજુ પર આવેલી દુકાનોના શટરમાં ઘૂસી ગઈ હતી. કારની સ્પીડ એટલી હતી કે દુકાન સાથે અથડાયા બાદ પણ અટકી ન હતી અને રસ્તા પરના ડિવાઈડર સાથે ટકરાતા પલટી ખાઈ ગઈ હતી. કારમાં સવાર સાત લોકોમાંથી ત્રણનાં ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યાં હતાં. જ્યારે ચાર લોકોને ઈજાઓ થતા સ્થાનિકોએ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

મૃતકોના નામની યાદી

પ્રહલાદભાઈ

ચેહરાભાઈ પોપટભાઈ ઠાકોર

મુકેશસિંહ ઉર્ફ બકુભા મંગળસિંહ પરમાર

ઈજાગ્રસ્તોના નામની યાદી

સુરેશભાઈ વેનાજી ઠાકોર

દિનેશભાઈ ચતુરજી સોલંકી

શક્તિભા મેરુભા દરબાર

જગદીશભાઈ રબારી

મૃતકો ડીસા તાલુકાના રહેવાસી

આ બનાવમાં મોતને ભેટેલા ત્રણ લોકોમાંથી એક ડીસા તાલુકાના પમરુ ગામના અને બે લોકો વરણ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અન્ય ચાર ઘાયલોને સારવાર માટે ધાનેરા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગે ધાનેરા પીઆઈએ કહ્યું હતું કે, આ બનાવમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. વહેલી સવારે કારની ઓવરસ્પીડ હોવાના કારણ એ બ્રિજ ઊતરતા સમયે બમ્પના કારણે ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અક્સમાત સર્જાયો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા ચાર લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.