થરાદના કિયાલ ગામના ખેતરમાં ટ્રેક્ટર સાથે રોટોવેટર મશીન સાથે ખેતરમાં કામગીરી કરી રહેલા યુવા ખેડૂતનું નીચે આવી જવાથી ચગદાઇ જવાના કારણે કરુણ અને કમકમાટીભર્યું મોત નિપજતાં અરેરાટી પ્રસરવા પામી હતી. યુવકના શરીરના ટુકડા બહાર કાઢીને મૃતદેહનું પીએમ કરાવવામાં આવ્યું હતું. યુવક ખેતરમાં ટ્રેક્ટર વડે રોટોવેટરથી કામગીરી કરતો હતો.
જો કે, ટ્રેક્ટર ધીમું પડતાં નજીકમાં રહેલા તેમના કાકાના પરિવારજનોએ ટ્રેક્ટર ધીમું પડવા છતાં પણ કામ કરી રહેલા યુવકને ન જોતાં દોડીને ખેતરમાં ગયાં હતાં. આથી ઘટનાની ખબર પડી હતી. જો કે ખેતરમાં કામગીરીની વચ્ચે ખેતરમાં ફૂવારાની પાઇપો પડી હતી. આથી કદાચ ચાલુ ટ્રેક્ટરે તેને દૂર કરવા જતાં બેલેન્સ ગુમાવવાના કારણે દુર્ઘટના સર્જાયાની શક્યતા પણ ઉઠવા પામી હતી.
થરાદના કિયાલ ગામનો યુવા ખેડૂત જગાભાઇ છોગાભાઇ ઠાકોર શુક્રવારે બપોરના સુમારે થરા ગામની સીમમાં આવેલા પોતાના ખેતરમાં જમીન પોચી કરવા માટેના રોટોવેટરને ટ્રેક્ટર સાથે જોડીને કામગીરી કરી રહ્યો હતો. તેનું અચાનક ટ્રેક્ટર નીચે આવી જવાના કારણે રોટોવેટરમાં ફસાઇ જવાના કારણે કરૂણ અને કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અંગે જાણ થતાં ગામના સરપંચ હાજાભાઇ ઠાકોર સહિત ગ્રામજનો તાબડતોબ દોડી આવ્યા હતા. જો કે તે પૂર્વે યુવકના શરીરના વિવિધ ભાગોએ ગંભીર ઇજા થવાના કારણે ટુકડા થવા પામ્યા હતા.
જેને ગાંસડીમાં બાંધીને થરાદની સરકારી હોસ્પિટલમાં પીએમ કરાવવામાં આવ્યું હતું. આકસ્મિક બનેલી ઘટનાથી યુવકનું મોત થતાં તેનાં ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. ગામ અને પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી. થરાદ પોલીસે અક્સ્માત મોત રજિસ્ટરે નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી.