લીંબડી હાઈ-વે પર દેવપરા ગામના પાટીયા પાસે બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર ચાલકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈ-વે પર અકસ્માતનો વણથંભી વણઝારનો સિલસિલો અટકવાનું નામ નથી લેતી. રાજસ્થાનના અલવાર જિલ્લાના બેહરોર થાણા તાલુકાના અજમેરપુર ગામના પ્રદિપકુમાર શિવચંદ્ર ચોધરી લીંબડી હાઈ-વે પર દેવપરા ગામના બોર્ડ પાસે આવેલ ગોપાલ હોટલના કમ્પાઉન્ડમાં ટ્રક ઊભી રાખી હતી.ત્યારે મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના મેઘનગર તાલુકાના હાથીયાડેલીમાં રહેતા મલ્લાભાઈ દલ્લાભાઈ ભાભોર પોતાની કાર તેજ ગતિથી અને ગફલતભરી રીતે ચલાવી ટ્રકની પાછળ ધડાકાભેર અથડાવી હતી. ટ્રક પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મલ્લાભાઈ ભાભોર ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં પાણશીણા પોલીસ મથકના પ્રકાશભાઈ ચિહલા, હિતેશભાઈ ઝરમરિયા બનાવના સ્થળે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ મલ્લાભાઈને સારવાર અર્થે લીંબડી સિવિલ હૉસ્પિટલે ખસેડયા હતા. જ્યાં હાજર ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.