ડીસા શહેરના ગવાડી વિસ્તારમાં કતલખાને લઈ જવા માટે રખાયેલા 250થી 300 જેટલા ગૌવંશ અને પાડાઓને તાત્કાલિક છોડવામાં નહીં આવે તો જીવદયા પ્રેમીઓએ હંગામો કરવાની તેમજ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જો કે જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહી કરવાની ખાત્રી આપતા જીવદયાપ્રેમીઓ શાંત થયા હતા.

ગઈકાલે મોડી રાત્રે રાજસ્થાનથી અમદાવાદ તરફ બે ટ્રકો ભરીને 250 થી 300 જેટલા ગૌવંશ અને પાડાઓ કતલખાને લઈ જવામા આવતા હોવાની બાતમી મળતા જીવદયા પ્રેમીઓએ મહેસાણા જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ અને સ્ટેટ કંટ્રોલરૂમને જાણ કરી હતી. આ ટ્રકોને ઊંઝા અને મહેસાણા હાઇવે પર રોકાવી હતી. તે દરમિયાન ત્રણ ગાડીઓમાં આવેલા 12થી 15 જેટલા શખ્સોએ જીવદયા પ્રેમીઓ સાથે માથાકૂટ કરી બંને ટ્રકો પાલનપુર તરફ ભગાડી દીધી હતી. જેથી જીવદયા પ્રેમીઓએ પીછો કરતા આ શખ્સોએ ટ્રકોને ડીસાના ગવાડી વિસ્તારમાં લઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જે બાબતે જીવદયા પ્રેમીઓએ તપાસ કરતા આ વિસ્તારમાં અનેક જગ્યાએ કતલખાને મોકલવા માટે પશુઓ રાખવામાં આવે છે. તેમજ ઘાસચારાની કે પાણીની કોઈપણ પ્રકારની સગવડ કરવામાં આવતી નથી.

આથી જીવદયા પ્રેમીઓએ આ અંગે અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદના નેજા હેઠળ રાજ્યના મુખ્યમંત્રીથી લઈને ડીસા પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનાને આવેદનપત્ર આપી હતી. આ ગૌવંશ અને પાડાઓને તાત્કાલિક છોડવામાં નહીં આવે તો તમામ જીવદયા પ્રેમીઓ આ પશુઓને કતલખાને જતા બચાવવા ડીસાના ગવાડી વિસ્તારમાં જઈને કાયદેસરની કાર્યવાહી કરવાની તેમજ જો કોઈ પગલાં નહીં લેવાય તો આત્મવિલોપન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. ત્યારબાદ તમામ જીવદયા પ્રેમીઓએ આ મામલે રજૂઆત કરતા જિલ્લા પોલીસ વડાએ જીવદયા પ્રેમીઓને પૂરતો સહયોગ આપી કાર્યવાહી કરવાની ખાત્રી આપતા મામલો થાળે પડ્યો હતો.