સુરેન્દ્રનગરના ટાવર રોડ ઉપર શેઠ ખોડીદાસ રતિલાલની ફરસાણની દુકાન આવેલી છે અને આ દુકાન બે માળની છે. જેમાં ઉપરના માળે ફરસાણ બનાવવાની કામગીરી થાય છે. જ્યારે નીચે ફરસાણનો હોલસેલ અને રીટેલ વેપાર થાય છે. ત્યારે કોઇ અગમ્ય કારણોસર આ ફરસાણની દુકાનના ઉપરના માળે આગ લાગી હતી.આ આગના બનાવની જાણ થતાં સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકા ફાયર વિભાગની ટીમના દેવાંગભાઇ દુધરેજીયા સહિતનાઓ તાકીદે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ આગની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા પણ બનાવના સ્થળે એકઠા થયા હતા.સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી બે કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આ ભયાવહ આગ શોર્ટ સર્કીટને લીધે લાગી હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે. જોકે, આ આગના બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ આ આગની ઘટનામાં હજારો રૂપિયાનું ફરસાણ બળીને ખાખ થઇ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે.