કડી ખાતે રહેતા યુવકે યુવતી જોડે આજથી છ મહિના પહેલા મિત્ર કરાર લેખ પરિવારની મંજૂરીથી કર્યો હતો અને યુવક અને યુવતી એકબીજાના ઘરે પરિવારની મંજૂરીથી આવતા જતા હતા. જ્યારે યુવતીને માલુમ થયું કે યુવક ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોયેલો છે અને કડી પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો પણ તેની સામે નોંધાયેલો છે. તેથી યુવતીએ યુવકને ફોન કરીને સંબંધ રાખવાની ના પાડી હતી, પરંતુ યુવકને મંજૂર ન હોવાથી શુક્રવારે ગાડી લઈને યુવતીના ઘરે પહોંચી ગયો હતો અને યુવતીને કડી લઈ આવીને માર મારી અને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં રોડ ઉપર ફેંકી દઈ યુવતીની સારવાર કર્યા બાદ કડી પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
શુક્રવારે રાત્રે સ્કોર્પિયો ગાડી લઈને આર્યન યુવતીના ઘરે પહોંચી ગયો હતો અને ફોન કરીને કહ્યું હતું કે, તું મને આજે છેલ્લી વાર મળવા આવ યુવતીએ કહ્યું કે, મારે તારી સાથે કોઈ સંબંધ રાખવો નથી અને મારે મળવું નથી. ત્યારે યુવકે કહ્યું કે, આજે છેલ્લીવાર તું મને મળવા આવ પછી તારા જોડે કોઈ જ સંબંધ નહીં રાખું. તેમ કહીને યુવતીને તેના ઘરેથી ગાડીમાં બેસાડી કડી લઈ આવ્યો હતો અને યુવતી જ્યારે આજીજી કરતી રહી હતી, પરંતુ યુવક એકનો બે ન થયો હતો. કડીની સી.એન. કોલેજમાં આખી રાત તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચાર્યું હતું અને માર માર્યો હતો. તેમજ માથાના વાળ પણ કાપી કાઢ્યા હતા અને શનિવારે સવારે ધાક ધમકીઓ આપીને તેને દેત્રોજ રોડ ઉપર અર્ધનગ્ન હાલતમાં ફેંકી દીધી હતી. ત્યારબાદ રાહદારીઓએ કડી પોલીસને જાણ કરી હતી અને યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી આર્યનને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા હતા.
કડી પોલીસે આર્યન સામે ગુનો દાખલ કર્યો હતો અને ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમો કડી પોલીસે બનાવી હતી. જ્યારે કડી પોલીસે સ્કોર્પિયો સાથે આર્યનની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી અને તપાસ શરૂ કરી હતી. તે બાબતે ડીવાયએસપી દેસાઈએ જણાવ્યું હતું કે, યુવતી સાથે કડીના યુવકે લિવ ઇન રિલેશનશિપનો કરાર કરેલો હતો. બંનેની સગાઈ પણ થઈ ગઈ હતી. કરાર કરીને અમુક સમય આ બંને જણા જોડે રહેલા પણ હતા, પરંતુ યુવક માથાભારે હોવાથી અને 307નો ગુનો દાખલ થયો હતો. તે વાતની હકીકત યુવતીને ખબર પડતા યુવક સાથેના સંબંધો કાપી નાખેલા. યુવકે યુવતીને કહ્યું હતું કે, તું મને મળવા છેલ્લીવાર મળવા આવ તારા જોડે કેટલીક વાતો કરવી છે અને યુવતીને સ્કોર્પિયો ગાડીમાં લઈ ગયેલો હતો. યુવકે આખી રાત યુવતીને ગાડીમાં ગોંધી રાખીને સાથે શારીરિક ઈજાઓ પહોંચાડી હતી અને વાળ કાપી નાખ્યા હતા અને તેની જોડે દુષ્કર્મ આચર્યું હતું. જે બાબતે કડી પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી કાર્યવાહી કરેલી છે.