બિપરજોય વાવાઝોડાની અસર: ડીસાના પેછડાલ ગામે મામલતદાર સહિતની ટીમે રસ્તામાં પાણી ભરાયેલું હોવાથી ટ્રેકટર પર બેસી પાણી ભરાયેલા વિસ્તારોનું જાત નિરીક્ષણ કર્યું
વાવાઝોડાના કારણે ડીસા પંથકમાં ભારે નુકસાન થયું છે. ખાસ કરીને પેછડાલ ગામ આજુબાજુ ધોધમાર વરસાદના કારણે ક્ખેતરો અને ઘર બેટમાં ફેરવાઈ ગયા છે અને આજે એક અઠવાડિયા બાદ પણ ખેતર કે ઘરમાંથી પાણી ઓછું થયું નથી. ત્યારે પેછડાલથી રામસણ જવાના માર્ગ પર આવેલા કેટલાય પરિવારોના ઘર અને ખેતર પાણીમાં ડૂબેલા છે. જેની રજૂઆતને પગલે આજે ડીસાના મામલતદાર કિશનદાન ગઢવી સહિત અધિકારીઓની ટીમ સ્થળ નિરીક્ષણ માટે પહોંચી હતી, પરંતુ ત્યાં રસ્તામાં જ ચારથી પાંચ ફૂટ પાણી ભરાયેલું હોવાથી મામલતદાર સહિતના અધિકારીઓની ટીમ ટ્રેક્ટરમાં બેસી અસરગ્રસ્ત ખેતરો અને ઘરની પરિસ્થિતિ જોઈ હતી
પાણી ભરાયેલા વિસ્તારોની પરિસ્થિતિ જોયા બાદ ત્યાં પાણીના નિકાલ માટે કેટલાક ખેતરોના પાળાઓ તોડવા પડે તેવી સ્થિતિ છે અને જોવામાં આવે તો પાળાઓ બીજા ખેતરોને પણ નુકસાન થઈ શકે તેમ છે. જેથી હવે તંત્રએ ત્યાં ભવિષ્યમાં આવી કોઈ સ્થિતિ ન બને અને ખેડૂતોના ખેતર કે ઘરોમાં પાણી ન ભરાય તે માટે કાયમી ઉકેલ માટે પાઇપલાઇન નાખવાની દરખાસ્તનું આયોજન કર્યું છે. જે ગ્રામ પંચાયત દ્વારા વિગતવાર દરખાસ્ત સિંચાઈ વિભાગને મોકલી ઝડપી પાઇપલાઇન નાખવા માટેની કાર્યવાહી કરવાની અધિકારીઓએ ખાત્રી આપી હતી.