ડીસામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત: વિરેનપાર્ક સોસાયટીમાં મોડી રાત્રે ગાયને હડકવા ઉપડ્યો; 4 લોકોને અડફેટે લેતા ઇજાગ્રસ્ત
ડીસામાં રખડતા પશુઓની સમસ્યાથી લોકો ત્રસ્ત બની ગયા છે અને હવે તો રખડતા ઢોરો વારંવાર લોકોને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગઈકાલે મોડી રાત્રે વિરેન પાર્ક સોસાયટીમાં પણ એક ગાયને હડકવા થતાં અફરાતફરી મચી હતી. તેમજ બેકાબુ બનેલી ગાયે એક બાળકી સહિત ચાર લોકોને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવની જાણ થતા જ સ્થાનિક નગરસેવક વિજય દવે અને મહિલા સદસ્યના પતિ મોતી પ્રજાપતિ બનાવ સ્થળે પહોંચ્યા હતા. જોકે નગરસેવકોએ ચીફ ઓફિસરને વારંવાર ફોન કરવા છતાં પણ ફોન ન ઉપાડતા લોકો સહિત નગરસેવકોમાં પણ તંત્ર સામે ભારે રોષ ફેલાયો હતો.