ડીસા શહેર ઉત્તર પોલીસે પાલનપુરમાં એક મોટી લૂંટના ગુનાના કાવતરાનો પર્દાફાશ કર્યો છે અને લૂંટ આપે તે પહેલાજ પાંચ રીઢા ગુનેગારોને રિવોલ્વર અને જીવતા કારતુસ સાથે ઝડપી જેલના હવાલે કર્યા છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા ઉત્તર પોલીસ મથકના કોન્સ્ટેબલ જે.ડી. પરમારને બાતમી મળી હતી કે, ડીસાના નહેરુનગર ટેકરા વિસ્તારમાં ત્રણે શખ્સો દેશી બનાવટની પિસ્તોલ સાથે ફરી રહ્યા છે. જેથી પોલીસની ટીમ સ્થળ પર જઈ તપાસ કરતા નહેરુનગર ટેકરામાં કબીર આશ્રમની પાછળ તુરી બારોટ વાસ તરફ જતા રસ્તા ઉપર એક મોટરસાયકલ પાસે 3 શખ્સો ઉભા હતા. જેઓ પોલીસને જોઈને ભાગવા જતા પોલીસે ત્રણેયનો પીછો કરી ઝડપી લીધા હતા. પોલીસે હિતેશપુરી ઉર્ફે એક્શન બાબુપુરી ગોસ્વામી, રાહુલ ઉર્ફે પ્રતીક બાબુ ઠાકોર તેમજ વિષ્ણુ ઈશ્વરજી ઠાકોરની અટકાયત કરી પૂછપરછ કરતા તેમની પાસેથી દેશી બનાવટની રિવોલ્વર અને એક જીવતો કારતુસ મળી આવ્યા હતા.

પોલીસે તેઓની પૂછપરછ કરી ઝડપાયેલા આરોપીઓ અગાઉ પાલનપુર સબજેલમાં હતા. ત્યારે પાલનપુરના ઇમરાન ઉર્ફે ભૂરા સિંધી સાથે મુલાકાત થયેલી અને તેણે પાલનપુરની એક જ્વેલર્સને લૂંટવાનો પ્લાન કર્યો હતો. બાદમાં જેલમાંથી બહાર આવ્યા બાદ આરોપીઓએ જ્વેલર્સની રેકી કરી હતી. દુકાનનો માલિક જ્યારે દાગીના લઈને ઘરેથી દાગીના લઈ દુકાને જતો હતો, ત્યારે તેને લૂંટી લેવાનો કારસો રચ્યો હતો. આરોપીઓ પાલનપુર જ્વેલર્સની જ્યારે રેકી કરવા ગયા ત્યારે ઇમરાને ગેસ્ટ હાઉસમાં રહેવાની સગવડ પણ કરી આપી હતી.

રિવોલ્વર ક્યાંથી અને કેવી રીતે લાવ્યા તે અંગે પૂછતાં ઝડપાયેલા આરોપીઓએ જણાવ્યું હતું કે, તેઓ આજથી પંદર દિવસ અગાઉ પાલનપુરથી ટ્રેન મારફતે આગ્રા અને આગ્રાથી ટ્રાવેલ્સ મારફતે ધોલેપુર થઈ મોરેના પહોંચ્યા હતા. જ્યાં જીતેન્દ્ર ઉર્ફે ટીલ્લુ તોમર મુરેના (મધ્યપ્રદેશ) પાસેથી રિવોલ્વર અને કારતુસ લાવ્યા હતા.

ડીસા શહેર પોલીસે અત્યારે હિતેશપુરી ઉર્ફે એક્શન બાબુપુરી ગોસ્વામી (રહે. ગોવર્ધનપાર્ક, ડીસા) રાહુલ ઉર્ફે પ્રતીક બાબુભાઇ ઠાકોર (રહે. ભોપાનગર, ડીસા) અને વિષ્ણુ ઈશ્વરજી ઠાકોર (રહે. ભોપાનગર, ડીસા)ની અટકાયત કરી છે. ત્યારબાદ જીતેન્દ્ર ઉર્ફે ટીલ્લુ તોમર મોરેના અને ઇમરાન ઉર્ફે ભૂરા સિંધી (રહે. પાલનપુર)ને ઝડપી પાડી કુલ 5 લોકોની વધુ કાર્યવાહી હાથ ધરી છે.