હાલાકી: પાલનપુરના હરીપુરા વિસ્તારમાં રસ્તાનું કામ અધૂરું મૂકી દસ દિવસથી કોન્ટ્રાક્ટર ગાયબ

પાલનપુરના હરીપુરા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા નવો રોડ બનાવવામાં આવી રહ્યો છે. જોકે, કોન્ટ્રાક્ટર રોડનું કામ અધૂરું મૂકી 10 દિવસથી જતો રહ્યો છે. જ્યાંમુખ્ય માર્ગની ચેમ્બરો અને પીવાના પાણીના કનેક્શન તોડી નાખતાં રહીશોને ભારે હાલાકી પડી રહી છે.

પાલનપુરના હરીપુરા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા નવો રોડ બનાવવામાં આવી રહ્યો છે. જોકે, કોન્ટ્રાક્ટર રોડનું કામ અધૂરું મૂકી 10 દિવસથી જતો રહ્યો છે. આ અંગે આ વિસ્તારના રહીશોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, બોક્સ કટીંગ કરતી વખતે જેસીબી દ્વારા મુખ્ય માર્ગની ચેમ્બરો તેમજ પીવાના પાણીના કનેક્શનનો તોડી નાખવામાં આવ્યા છે.

 ગંદુ પાણી માર્ગો ઉપર ઉભરાઈ રહ્યું છે. હવે ચોમાસુ પણ માથા ઉપર છે. ત્યારે જો સત્વરે આ રોડનું કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો પારાવાર મુશ્કેલીઓ ઊભી થશે. ત્યારે ટેન્ડર પ્રમાણે બાકી રહી ગયેલી સેનેટરી આઈટમ, ચેમ્બર, મેઇન રોડમાં આવતા કનેક્શનનું જોડાણ સઘળી બાબતો ધ્યાને રાખી સત્વરે માર્ગનું કામ પૂરું કરવામાં આવે તેવી માંગ છે. જો તેમ નહીં થાય તો કલેકટર સમક્ષ રજૂઆત કરીશું.