લખતરના ભરવાડ નેસમાં છેલ્લા ઘણા મહિનાઓથી ખુલ્લી રહેલી ગટરમાં ગાય પડી હતી. તે ગાયને ગટરમાંથી કાઢવા આસપાસના રહીશો તેમજ જીવદયાપ્રેમીઓએ જહેમત ઉઠાવી હતી. સ્થાનિક તંત્રને આ ગટર ઢાંકવા માટેની રજૂઆત પણ કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં આગામી સમયમાં મોટા અકસ્માતનો ભય રહેલો છે.લખતર શહેરનાં ખાળીયા વિસ્તારમાં લાખોના ખર્ચે ગટર ઊંડી કરીને બનાવવામાં આવી છે. પરંતુ આ ગટર ઊંડી જોવા છતાં તેના ઢાંકવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ અંગે સ્થાનિકો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. ત્યારે આ ગટરમાં એક ગાય ફસાઈ ગઈ હતી.આ ગાયને વિસ્તારનાં રહીશો, જીવદયા પ્રેમીઓ અને માલધારીઓ દ્વારા મહામહેનતે સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. પરંતુ ગાયને ઘસાવાનાં લીધે નાની મોટી ઈજાઓ થઈ હતી. તો આ રસ્તે થઈને જ વિદ્યાર્થીઓ શાળાએ તેમજ શાળાએથી ઘરે પાછા કરતા હોવાનાં કારણે વાલીઓને પણ ચિંતા રહ્યાં કરે છે. તો આ અંગે તાત્કાલિક યોગ્ય કરવામાં આવે તેવી લોકમાંગ છે. તો કોઈ અધિકારીઓ થોડું ધ્યાન આપી સ્થાનિક તંત્રને કડક આદેશ કરી યોગ્ય કાર્યવાહી કરાવે તેવી લોકોને આશા છે.