સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર છે. મા જગતજનની અંબાના દર્શન માટે દૂર દૂરથી માઇ ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. મા અંબાના દર્શન માટે યાત્રિકો પોતાના પ્રાઇવેટ વાહનો અને સાર્વજનિક વાહનો દ્વારા અંબાજી આવતા હોય છે. અંબાજી આવતા તમામ માર્ગો પર રાત્રિ દરમિયાન પણ વાહનોની આવક જાવક રહેતી હોય છે. ત્યારે ગઈ રાત્રે અંબાજી પાછા હાઈવે માર્ગ પર બે યાત્રિકોની ગાડી પર પથ્થર મારાની ઘટના સામે આવી છે.

ગઈ રાત્રે અંબાજીથી પાલનપુર તરફ જતા હાઇવે માર્ગ વચ્ચે પાછા નજીક આવેલા પેટ્રોલ પંપ જોડે બે યાત્રિકોની ગાડી પર પથ્થર મારો થવાની ઘટના સામે આવી છે. આ માર્ગ પર ઘણા સમયથી કોઈપણ એવી ઘટના બની નથી. ત્યારે આ ઘટનાને લઈ પ્રથમ દૃષ્ટિએ અંબાજી તરફથી આવતી બે યાત્રિકોની ગાડી પર પથ્થર મારો થવાનું સામે આવ્યું છે.

ત્યારે બંને યાત્રિકોની ગાડી પર પથ્થરમારો થતા ગાડી રોકીને ઘભરાયેલા યાત્રિકોએ ઇમર્જન્સી 100 નંબર પર કોલ કરતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ત્યારે પોલીસે યાત્રિકો સાથે તમામ ઘટનાની જાણકારી મેળવી અને યાત્રિકો સાથે વાતચીત કરી યાત્રિકોને આગળનો સફર કરવા માટે રવાના કર્યા હતા. યાત્રિકોને સમગ્ર ઘટનાની તપાસનો વિશ્વાસ આપ્યો હતો.