મહેસાણા તાલુકાના પાલાવાસણા ગામની મહિલા ઘઉં વીણતી હતી તે દરમિયાન ગામનો જ શખ્સ પુરઝડપે પોતાનું બાઇક હંકારતાં આ બાબતે બાઇક ચાલક શખ્સને બાઇક ધીમું હંકારવાનું કહેતાં ઉશ્કેરાયેલા આ શખ્સ તથા તેના પિતા અને ભાઇ હાથમાં લોખંડની પાઇપ, છરી તેમજ લાકડીઓ લઇ આવી મહિલા તેના પતિ અને પુત્ર પર હિચકારો હુમલો કરતાં ઇજાગ્રસ્ત ત્રણેયને સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતા. જ્યારે હુમલો કરતાં ત્રણ શખ્સો વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે.
મહેસાણા નજીક આવેલા પાલાવાસણા ગામે રહેતા આત્મારામ શંકરભાઇ સેનમા તથા તેના બે પુત્રો મેહુલ આત્મારામ સેનમાં અને ગોવિંદ આત્મારામ સેનમાં નામના પિતા પુત્રોનો નિર્મળ ગામ એવા પાલાવાસણા ગામમાં ભારે આતંક હોવાની ગ્રામજનોમાં ભારે ચર્ચા જાગી છે. આ શખ્સો વિરુદ્ધ મારમારીના ગુનાઓ પણ પોલીસ ચોપડે નોંધાઇ ચૂક્યાં છે અને જેલવાસ પણ ભોગવી ચૂક્યાં છે ત્યારે આ તત્વો દ્વારા વધુ એક જીવલેણ હિચકારા હુમલાની ઘટના સામે આવી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતાં અહેવાલો મુજબ મહેસાણા નજીક પાલાવાસણા ગામમાં પાણીની ટાંકી પાસે ઇન્દીરાનગરમાં રહેતા હંસાબેન ભવાનભાઇ સેનમાં તેમના ઘર આગળ ઘઉં સાફ કરી રહ્યાં હતા. આ દરમિયાન ગામનો મેહુલ આત્મારામ સેનમા પોતાનું બાઇક પુરઝડપે હંસાબેનના ઘર આગળની હંકારતાં હંસાબેને મેહુલ નામના શખ્સને ઘઉં બગડતાં હોવાથી બાઇક ધીમું હાંકવાનું જણાવતાં મેહુલ નામના શખ્સ દ્વારા જેમ તેમ અપશબ્દો બોલી ગાળાગાળી કરવા લાગ્યો હતો. ત્યારે આ બાબતે હંસાબેન ભવાનભાઇ સેનમા તથા હંસાબેનના પતિ ભવાનભાઇ શંકરભાઇ સેનમા અને તેમનો પુત્ર બળદેવ ભવાનભાઇ આ બાબતે મેહુલ આત્મારામ સેનમાના ઘરે આ બાબતે ફરિયાદ કરવા જતાં તેના પિતા આત્મારામ શંકરભાઇ સેનમાં હાથમાં લાકડી લઇ આવી ભવાનભાઇ ઉપર હુમલો કર્યો હતો.
જ્યારે તેના બે પુત્ર મેહુલ આત્મારામ સેના હાથમાં લોખંડની પાઇપ તથા બીજો પુત્ર ગોવિંદ આત્મારામ સેનમાં હાથમાં છરી લઇ દોડી આવી આ માતા પિતા અને પુત્ર પર તૂટી પડ્યાં હતા જેમાં માથાના ભાગે લોખંડની પાઇપ અને લાકડીઓ તેમજ છરી વડે કરાયેલા હુમલામાં ફરિયાદી સહિતિ તેની પત્ની અને પુત્ર ગંભીર રીતે ઘાયલ થતાં તેઓને સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતા. જ્યારે આ બાબતે હુમલાનો ભોગ બનનાર ભવાનભાઇ શંકરભાઇ સેનમાએ મહેસાણા તાલુકા પોલીસ મથકે આ ત્રણ શખ્સો પિતા તથા તેના બે પુત્ર વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.