પાટડી તાલુકાના જીવણગઢ ગામે સામાન્ય બાબતે માતા-પુત્રી પર ગામના જ ત્રણ લોકોએ ધોકા વડે હિચકારો હુમલો કર્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત માતા-પુત્રીને તાકીદે સારવાર માટે વિરમગામ હોસ્પિટલે લઇ જવાયા હતા. આ બનાવમાં જીવણગઢની એક મહિલા સહિત કુલ ત્રણ લોકો સામે બજાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે.પાટડી તાલુકાના જીવણગઢ ગામે રહેતા બાબુભાઇ રતિલાલભાઇ સુરેલા (ઠાકોર)ની પત્ની પોતાની 13 વર્ષની નાની દીકરીને લઇને રાત્રિના સમયે ગામના ખારા વિસ્તારમાં કુદરતી હાજતે જવા માટે નિકળ્યા હતા. ત્યારે રસ્તામાં ત્રીભોવનભાઇ દેવજીભાઇ ઠાકોરના મકાન પાસેથી પસાર થઇ રહ્યાં હતા. ત્યારે તેમનો દીકરો નીકુલે એમની પાસે આવીને કહ્યું હતું કે, તે મારા બહેન ક્રિષ્નાને કેમ વાસમાંથી નિકળવાની ના પાડી તેમ કહી ઉશ્કેરાઇ જઇને નીકુલે 13 વર્ષની દિકરીના માથામાં જોરદાર ધોકો ફટકાર્યો હતો. બાદમાં ત્રિભોવનભાઇ દેવજીભાઇ ઠાકોર અને એમના પત્ની ટીનીબેન ત્રિભોવનભાઇ ઠાકોરે પણ ત્યાં આવીને ઉગ્ર બોલાચાલી કરવાની સાથે માતા-પુત્રીને ઢીકાપાટુનો માર માર્યો હતો.આથી માતા-પુત્રીને દેકારો કરતા ત્રણેય જણા જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. બાદમાં ઇજાગ્રસ્ત માતા-પુત્રીને તાકીદે સારવાર માટે હોસ્પિટલે લઇ જવાયા હતા. આ બનાવ અંગે જીવણગઢ ગામની મહિલાએ ગામમાં રહેતા નિકુલભાઇ ત્રિભોવનભાઇ ઠાકોર, ત્રિભોવનભાઇ દેવજીભાઇ ઠાકોર અને ટીનીબેન ત્રિભોવનભાઇ ઠાકોર વિરુદ્ધ બજાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા વધુ તપાસ બજાણા પોલીસ મથકના જે.ઝેડ.લેચીયા ચલાવી રહ્યાં છે.