લખતર શહેરમાં એલસીબી પોલીસની ઓળખ આપી રોફ જમાવતા શખ્સની લખતર પોલીસે ધરપકડ કરી હતી. શહેરનાં યુવાનને કોલ કરી રોફ જમાવતા યુવાને સતર્કતાથી પોલીસ સ્ટેશને લઇ જતા ભાંડો ફૂટ્યો હતો. પોલીસની ઓળખ આપી કે વેશ ધારણ કરી લોકોને પરેશાન કરતા ઘણા કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે આવો કિસ્સો લખતર ખાતે પણ સામે આવ્યો છે.મળતી માહિતી અનુસાર, લખતરનાં પ્રકાશભાઈ ગોરધનભાઈ સોલંકીએ લખતર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓનાં ઘરે તા.14-6-23ના રોજ રાત્રે તેમના ઘરે સુરેન્દ્રનગર એલસીબીમાં યુવરાજસિંહ જાડેજા હોવાનું જણાવી તમારું નામ કોલ ડિટેઇલમાં આવ્યાનું જણાવી હું કહું ત્યારે સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશન આવું પડશે તેવું જણાવ્યું હતું.ત્યારે બીજા દિવસે તેઓ ફરી આવતા યુવકે પહેલા પોતે તેવું કઈ કર્યું ન હોઈ પહેલા લખતર પોલીસ સ્ટેશને જવાનું કહી તે શખ્સને લખતર પોલીસ સ્ટેશને લઇ જતા લખતર પોલીસે તપાસ કરતા આ શખ્સ કોઈ પોલીસ કર્મી ન હોવાનું ખુલ્યું હતું. તેમજ આ શખ્સ ચુડા તાલુકાનાં નવી મોરવાડ ગામનો નરેન્દ્રસિંહ ખુમાનસિંહ જાડેજા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.જયારે આ શખ્સ ઉપર અગાઉ નડિયાદ પોલીસ સ્ટેશન તેમજ રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નકલી પોલીસ તરીકે ઓળખ આપી રોફ જમાવવા અંગેનો ગુનો નોંધાયેલો હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું હતું.