ડીસામાં સમૌનાના ગામામાં 50થી વધુ ઘરના પતરા અને દિવાલ ધરાશયી, પશુપાલકો માટેની એકમાત્ર દૂધ ડેરી પણ નેસ્તનાબૂદ

બિપરજોય વાવાઝોડાએ ડીસા પંથકમાં પણ ખૂબ જ વિનાશ વેર્યો છે, જેનો ભોગ સમૌનાના ગામ પણ બન્યું છે. આ ગામમાં વાવાઝોડાના કારણે 50થી પણ વધુ ઘરની છત કાગળના પત્તાની જેમ ઉડી ગઈ હતી. જ્યારે અનેક ઘરોની દિવાલ ધરાશાયી થઈ છે. ગામમાં 10થી વીજપોલ જમીનમાંથી ઉખાડી જતા ગામમાં અંધારપટ છવાયો છે. આ ગામમાં આવેલી એકમાત્ર શાળાના પણ પતરા ઉડી ગયા છે. જ્યારે શાળાની અંદર છ થી વધુ ઘટાદાર વૃક્ષો ધરાશાયી થતા અનેક પશુ પક્ષીઓના પણ મોત થયા છે. સમૌનાના ગામમ જાણે કુદરતના પ્રકોપનો ભોગ બન્યુ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. અહીં પશુપાલકો માટે એકમાત્ર સમૌનાના-રામપુરા દૂધ ડેરી મંડળી આવી હતી. જ્યાં ગામના તમામ પશુપાલકો દૂધ ભરાવી આજીવિકા મેળવતા હતા, પરંતુ વાવાઝોડા અને ભારે વરસાદના કારણે આખી દૂધ મંડળી જ ધરાશાયી થતા નેસ્તનાબૂદ થઈ ગઈ છે અને દૂધ ડેરી મંડળી પડી ભાગતા જાણે ભંગારનું ગોડાઉન હોય તેવું દેખાય રહ્યું છે.