માહી નજીક અકસ્માતમાં પુનાનો મુસાફર ગંભીર....

પાલનપુર - અમદાવાદ હાઇવે ઉપર માહી નજીક શનિવારે વહેલી સવારે વાવાઝોડા અને વરસાદ વચ્ચે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પુનાના મુસાફરને ગંભીર ઇજા થઇ હતી. જેને છાપી 108ની ટીમે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી તેમનો રૂપિયા 3 લાખનો મુદ્દામાલ પરત આપી માનવતાં દાખવી હતી. પાલનપુર - અમદાવાદ હાઇવે ઉપર માહીના પાટીયા પાસે શનિવારે વહેલી સવારે 3.30 કલાકે વાવાઝોડા અને વરસાદ વચ્ચે કાર અને ટ્રક અથડાયા હતા. જેમાં કારમાં સવાર પુનાના રાજેશભાઈ (ઉ.વ.45)ને ગંભીર ઇજા થતાં કારમાં પાછળની સીટ પર બેભાન હાલતમાં ફસાઇ ગયા હતા. જ્યાં પહોચેલી છાપી 108ની ટીમના ઇ. એમ. ટી. વિક્રમભાઈ પરમાર અને પાયલટ ગોવિંદભાઈ પરમારે ઇજાગ્રસ્તને પાલનપુર સિવિલ હોસ્પિટલમા સારવાર માટે ખસેડયા હતા. જ્યાં દર્દી પાસે રહેલો આઇ ફોન, વિદેશી ચલણ, દાગીના, રોકડ સહિત અંદાજીત રૂ. 3 લાખનો મુદ્દામાલ તબીબની હાજરીમાં હોસ્પિટલના સિકયુરીટી ગાર્ડને આપી પ્રમાણિકતા દાખવી હતી.