"બિપરજોય" વાવાઝોડાની સંભવિત અસરો સામેની પૂર્વ તૈયારી અને લોકોની સુરક્ષા-સલામતી માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. રાજસ્થાન તરફથી આવતી રેલ નદી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, થરાદ અને વાવ તાલુકામાંથી પસાર થાય છે. જેના વહેણ વિસ્તાર નજીકના થરાદ તાલુકાના પાવડાસણ, લોઢનોર અને દુધવા ગામની આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલ અને પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ સંયુક્ત મુલાકાત લઇ ગ્રામજનો સાથે સાવચેતીના પગલાંઓ અંગે ચર્ચા કરી હતી તથા વાવાઝોડામાં સાવચેતીના ભાગરૂપે લોકોને શિફ્ટ થવા અથવા તો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ શેલ્ટર હોમમાં શિફ્ટ થવાની સુચના આપી હતી અને પશુઓને ઊંચાણવાળી સલામત જગ્યાએ રાખવા પણ જણાવ્યું હતું ત્યારબાદ કલેક્ટરએ અધિકારીઓ સાથે સૂઇગામ તાલુકાના સરહદી બોરૂ અને મસાલી ગામની મુલાકાત લઇ મીઠાના અગરીયાઓ અને ગામલોકો સાથે વાવાઝોડાની ગંભીરતા વિશે વાતચીત કરી સલામત સ્થળે આશ્રય લેવા અથવા સરકાર દ્વારા બનાવાયેલ શેલ્ટર હોમમાં રહેવા અપીલ કરી હતી. તેમણે બોરૂ ગામમાં બનાવાયેલ શેલ્ટર હોમની મુલાકાત લઇ સ્થળાંતરીત લોકો માટે કરવામાં આવેલા ભોજન, પાણી, શૌચાલય વગેરે વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી અધિકરીઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરની આ મુલાકાત વેળાએ થરાદ પ્રાંત અધિકારી કે.એસ.ડાભી, સૂઇગામ પ્રાંત અધિકારી એસ. એ. ડોડીયા, મામલતદાર વિજયદાન ગઢવી અને બી.જે.દરજી સહિત અન્ય અધિકારીઓ જોડાયા હતા.